World Cup 2023 Final: ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, ખેલાડીઓનું થયું જોરદાર સ્વાગત

19મી નવેમ્બરે ટીમ ઈન્ડિયા વિશ્વકપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ત્યારે આજે ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 16 Nov 2023 10:26 PM (IST)Updated: Thu 16 Nov 2023 10:26 PM (IST)
world-cup-2023-final-team-india-reached-ahmedabad-to-become-the-world-champion-for-the-third-time-the-players-received-a-warm-welcome-234006

World Cup 2023 Final: ટીમ ઈન્ડિયા વનડે વિશ્વકપ 2023ની ફાઈનલ રમવા માટે મુંબઈથી અમદાવાદ પહોંચી ગઈ છે. ભારત 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ જંગ ખેલશે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે આ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ 10માંથી 10 મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.

ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા એક્સ પર પીટીઆઈ દ્વારા શેર કરાયો છે.

અમદાવાદ પહોંચેલી ટીમનું જોરદાર સ્વાગત
ટીમ ઈન્ડિયાએ 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડને સેમિફાઈનલમાં 70 રને હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ બપોરે મુંબઈ એરપોર્ટથી ટીમે અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ત્યારે હવે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ગઈ છે. જ્યાં ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન ફેન્સ પણ ટીમના સ્વાગત માટે એરપોર્ટની બહાર જોવા મળ્યા. ફેન્સ ભારતીય ટીમને ફાઈનલ માટે ચીયર પણ કરતા હતા. તો હોટલની બહાર પણ મોટી સંખ્યામાં પ્રશંસકો જોવા મળ્યા.

વિશ્વકપમાં કોહલીના સૌથી વધુ રન તો સૌથી વધુ વિકેટ શમીના નામે
આ વિશ્વકપમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તો સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં મોહમ્મદ શમી છે. કોહલી 711 રનની સાથે નંબર વન પર છે જ્યારે શમી 23 વિકેટની સાથે નંબર 1 પર છે. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા 550 અને શ્રેયસ અય્યર 526 રન બનાવી ચુક્યા છે. તો જસપ્રીત બુમરાહના નામે 18 વિકેટ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.