Suryakumar Yadav Ranji Trophy 2026-27: ભારતીય T20 ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રણજી ટ્રોફી 2026-27 ની આખી સીઝન સૂર્યકુમાર યાદવ મુંબઈ માટે રમવા ઈચ્છતા હતો. આ માટે તેણે અગાઉ જાણ પણ કરી હતી જો ટીમમાં સ્થાન મળે તો તે રમશે. છતાં 11 થી 14 ઓક્ટોબર દરમિયાન વાનખેડે સ્ટેડિયમ ખાતે ચંડીગઢ સામે રમાનારી પ્રથમ મેચ માટે જાહેર કરાયેલી મુંબઈની 16 સભ્યોની ટીમમાંથી તેમને બહાર રાખવામાં આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના મુખ્ય પસંદગીકાર રાજેશ પવાર અને અધિકારીઓએ આ નિર્ણય પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે.
18 મહિનાથી નથી રમ્યા રેડ-બોલ ક્રિકેટ અને ટ્રેનિંગ કેમ્પમાં ગેરહાજરી
સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ ન કરવાનું મુખ્ય કારણ એ છે કે, તેમણે છેલ્લા 18 મહિનાથી કોઈ પ્રથમ કક્ષાની મેચ રમી નથી. આ ઉપરાંત મુંબઈની ટીમ છેલ્લા એક મહિનાથી બ્રેબોર્ન અને BKC પરિસરમાં રેડ-બોલ ક્રિકેટનો પ્રી-સીઝન ટ્રેનિંગ કેમ્પ કરી રહી હતી, જેમાં સૂર્યકુમાર હાજર રહ્યો ન હતો.
પસંદગી સમિતિના ચેરમેન રાજેશ પવારે જણાવ્યું હતું કે, સૂર્યકુમાર મોટી મેચોનો ખેલાડી છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે, તેઓ રણજી ટીમમાં આવતા પહેલા સ્થાનિક રેડ-બોલ મેચો રમીને પોતાની લય મેળવે।" પસંદગીકારોનું એવું પણ માનવું હતું કે, જે યુવા ખેલાડીઓ મહિનાથી સતત ટ્રેનિંગ કેમ્પમાં મહેનત કરી રહ્યા છે. તેમને બહાર બેસાડીને સૂર્યકુમારને સીધા ટીમમાં લેવા યોગ્ય ન ગણાય.
વાપસી માટે સ્થાનિક ટૂર્નામેન્ટ રમવી પડશે
સૂર્યકુમાર માટે રણજી ટીમના દરવાજા પૂરી રીતે બંધ થયા નથી. જો તેઓ રેડ-બોલ ક્રિકેટની લય મેળવવા માંગતા હોય તો તેમણે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સ્થાનિક ટૂર્નામેન્ટ જેવી કે, પોલીસ શીલ્ડ અથવા પુરુષોત્તમ શીલ્ડમાં રમીને પોતાની ફોર્મ અને ફિટનેસ સાબિત કરવી પડશે.
સિદ્ધેશ લાડ નવા કેપ્ટન, 19 વર્ષીય આયુષ મ્હાત્રે વાઇસ-કેપ્ટન
આ સીઝન માટે મુંબઈ ટીમે નેતૃત્વમાં પણ મોટો ફેરફાર કર્યો છે. શાર્દુલ ઠાકુર ટ્રેનિંગ દરમિયાન જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે પ્રથમ બે મેચ માટે બહાર થઈ ગયા છે. આથી અનુભવી બેટ્સમેન સિદ્ધેશ લાડને મુંબઈના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર 19 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. પસંદગીકારો આયુષને ભવિષ્યના સુકાની તરીકે ગરૂમ કરવા માંગે છે. પ્રથમ મેચની ટીમમાં યશસ્વી જેસ્વાલ અને સરફરાઝ ખાન જેવા સ્ટાર બેટ્સમેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈની 16 સભ્યોની ટીમ:
- સિદ્ધેશ લાડ (કેપ્ટન)
- આયુષ મ્હાત્રે (વાઇસ-કેપ્ટન)
- યશસ્વી જેસ્વાલ
- દિવ્યાંશ સક્સેના
- મુશીર ખાન
- સરફરાઝ ખાન
- સુવેદ પારકર
- આકાશ આનંદ (વિકેટકીપર)
- હાર્દિક તમોરે (વિકેટકીપર)
- શમ્સ મુલાની
- તનુષ કોટિયન
- અથર્વ અંકોલેકર
- તુષાર દેશપાંડે
- મોહિત અવસ્થી
- સિલ્વેસ્ટર ડિસૂઝા
- ઓમકાર તરમાલે
