Most Matches Win Teams: વર્ષ 2025 હવે પૂર્ણ થવાને આરે છે, ત્યારે આ વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે અને ટી20) સૌથી વધુ મેચ જીતનારી ટીમોની યાદી સામે આવી છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ક્રમે રહીને બાજી મારવામાં સફળ રહી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન જેવી કટ્ટર હરીફ ટીમો વચ્ચે બીજા સ્થાન માટે જોરદાર ટક્કર જોવા મળી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ટોચ પર
વર્ષ 2025માં ન્યૂઝીલેન્ડ સૌથી વધુ 33 મેચ જીતનારી ટીમ બની છે. કિવી ટીમે આ વર્ષે કુલ 47 મેચ રમી હતી, જેમાંથી તેમને માત્ર 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડની આ જીતમાં 4 ટેસ્ટ, 17 વનડે અને 12 ટી20 મેચોનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન બીજા સ્થાન પર
ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ આ વર્ષે સંયુક્ત રીતે બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે, કારણ કે બંનેએ સમાન 30-30 મેચ જીતી છે. જોકે મેચોની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. ભારતે માત્ર 45 મેચોમાં 30 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને આટલી જ જીત મેળવવા માટે 56 મેચો રમી હતી. આ વર્ષ દરમિયાન ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં પાકિસ્તાનને હરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ 23 જીત સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને રહી છે. ઓસ્ટ્રેલિયાએ 2025માં કુલ 38 મેચ રમી હતી, જેમાંથી 11 મેચમાં તેમનો પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીમાં તેમને વર્ષની છેલ્લી હારનો સામનો કરવો પડ્યો હતો.
બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા ટોપ-5માં
સામેલ યાદીમાં પાંચમા ક્રમે સંયુક્ત રીતે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો રહી છે, જેમણે 21-21 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકાએ 43 મેચોમાંથી 21 જીત મેળવી અને 22 મેચમાં હારનો સામનો કર્યો. બીજી તરફ બાંગ્લાદેશે 47 મેચો રમી હતી, જેમાંથી 21 માં જીત અને 23 મેચમાં હાર મેળવી હતી. આમ આ બંને ટીમો માટે આ વર્ષે જીત કરતા હારનું પ્રમાણ થોડું વધારે રહ્યું છે.
