Vijay Hazare Trophy: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ… ધ્રુવ જુરેલે ફટકારી તેની પ્રથમ લિસ્ટ-એ સદી

24 વર્ષીય ધ્રુવ જુરેલે નંબર-3 પર બેટિંગ કરતા પોતાની સદી માત્ર 78 બોલમાં પૂરી કરી હતી. તેની આ શાનદાર ઇનિંગમાં કુલ 15 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 29 Dec 2025 03:40 PM (IST)Updated: Mon 29 Dec 2025 03:40 PM (IST)
vijay-hazare-trophy-dhruv-jurel-hits-first-list-a-century-vs-baroda-664112

Dhruv Jurel Vijay Hazare Trophy: ભારતીય વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલે લિસ્ટ-એ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. વિજય હઝારે ટ્રોફી 2025ના ત્રીજા રાઉન્ડમાં બરોડા સામે ઉત્તર પ્રદેશ (UP) તરફથી રમતા જુરેલે આ સિદ્ધિ હાંસલ કરી હતી. રાજકોટમાં રમાયેલી આ મેચમાં તેણે તોફાની બેટિંગ કરતા માત્ર 101 બોલમાં અણનમ 160 રન બનાવ્યા હતા.

મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
24 વર્ષીય ધ્રુવ જુરેલે આ મેચમાં નંબર-3 પર બેટિંગ કરતા પોતાની સદી માત્ર 78 બોલમાં પૂરી કરી હતી. તેની આ શાનદાર ઇનિંગમાં કુલ 15 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. ધ્રુવ જુરેલની આ વિસ્ફોટક ઇનિંગની મદદથી ઉત્તર પ્રદેશની ટીમે નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 369 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જુરેલ ઉપરાંત અન્ય ખેલાડીઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું, જેમાં અભિષેક ગોસ્વામીએ 51 રન અને કેપ્ટન રિંકુ સિંહે 63 રનની અડધી સદી ફટકારી હતી. જ્યારે પ્રશાંત વીરે 35 રન બનાવ્યા હતા.

જુરેલનું સતત શાનદાર ફોર્મ
વિજય હઝારે ટ્રોફીની આ સીઝનમાં ધ્રુવ જુરેલ સતત રન બનાવી રહ્યો છે. આ સદી પહેલા તેણે શરૂઆતની બે મેચોમાં હૈદરાબાદ અને ચંદીગઢ સામે પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. નોંધનીય છે કે તે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતની વનડે ટીમનો ભાગ હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.

ધ્રુવ જુરેલ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ (RR) ટીમનો મહત્વનો ભાગ છે. આગામી આઈપીએલ 2026ની સીઝન માટે ફ્રેન્ચાઇઝીએ તેને રિટેન કર્યો છે. આ સંજોગોમાં તેનું આ શાનદાર ફોર્મ અને પ્રથમ લિસ્ટ-એ સદી જોઈને રાજસ્થાન રોયલ્સની ટીમ મેનેજમેન્ટ ચોક્કસપણે ઉત્સાહિત હશે.