U19 Asia Cup 2025: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી, આ દિવસે પાકિસ્તાન સામે થશે ટાઈટલ માટે જંગ

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 139 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ટીમ ઇન્ડિયાએ માત્ર 18 ઓવરમાં જ હાંસલ કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Fri 19 Dec 2025 07:35 PM (IST)Updated: Fri 19 Dec 2025 07:35 PM (IST)
u19-asia-cup-2025-team-india-defeated-sri-lanka-to-make-it-to-the-final-will-fight-for-the-title-against-pakistan-on-this-day-658394

U19 Asia Cup 2025: આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. શુક્રવારે રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને આઠમી વખત ટાઇટલ માટે ક્વોલિફાય કર્યું. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતીય ટીમે 18 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારત માટે વિહાન મલ્હોત્રા અને એરોન જ્યોર્જે શાનદાર અડધી સદી ફટકારી. ભારત હવે પાકિસ્તાન સામે ટકરાશે, જેણે બીજી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

શ્રીલંકાએ બનાવ્યા હતા 138 રન
અંડર-19 એશિયા કપ 2025ની પહેલી સેમિફાઇનલ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી, જેના કારણે 50-50 ઓવરની મેચને બદલે 20 ઓવરની મેચ રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી ચામિકા હીનાતિગલાએ સૌથી વધુ 42 રન બનાવ્યા. કેપ્ટન વિમથ દિનાસારાએ 32 રન અને સેથમિકા સેનેવિરત્નેએ 30 રન બનાવ્યા. ભારત તરફથી હેનિલ પટેલ અને કનિષ્ક ચૌહાણે બે-બે વિકેટ લીધી, જ્યારે કિશન કુમાર સિંહ, દીપેશ દેવેન્દ્રન અને ખિલન પટેલે એક-એક વિકેટ લીધી.

એરોને 49 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા, જ્યારે વિહાને 45 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 61 રનની ઈનિંગ રમી. વિહાન અને એરોનની શાનદાર ઈનિંગના આધારે, ભારતે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા. મેચ આઠ વિકેટથી જીતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો.

અત્યાર સુધી ભારતીય ટીમ અજય
ભારતીય ટીમે પોતાની ત્રણેય ગ્રુપ મેચ જીતી હતી. પહેલી મેચમાં ભારતીય ટીમે UAEને 234 રનથી હરાવ્યું હતું. તે મેચમાં વૈભવ સૂર્યવશીએ 95 બોલમાં 171 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જે બાદ ભારતે પાકિસ્તાનને 90 રનથી હરાવ્યું હતું. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 315 રને કચડી નાખ્યું હતું.