Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન અને આક્રમક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પિતા બની ગયો છે. તેની પત્ની દેવિશા શેટ્ટીએ ગુરુવારે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાતા જ ચાહકો અને રમત જગતની હસ્તીઓ આ દંપતી પર અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે.
એક દાયકાની પ્રતીક્ષાનો અંત
સૂર્યકુમાર અને દેવિશા વર્ષ 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના આશરે 10 વર્ષ બાદ આ દંપતીના ઘરે પારણું બંધાયું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં દેવિશાના બેબી શાવર (સીમંત) કાર્યક્રમનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, ત્યારથી જ ફેન્સ આ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોલેજ કાળથી શરૂ થયેલી આ લવ સ્ટોરી હવે એક નવા પડાવ પર પહોંચી છે અને તેમનો પરિવાર બેમાંથી ત્રણ સભ્યોનો થયો છે.
With giggles, bows, and dreams to unfurl- we welcome our baby girl 🩷🧿 pic.twitter.com/NlvE2tJdJw
— Surya Kumar Yadav (@surya_14kumar) May 7, 2026
સફળતા પાછળ પત્નીનો મોટો હાથ
સૂર્યાએ અનેક પ્રસંગોએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેની સફળતા પાછળ તેની પત્ની દેવિશાનો મોટો ફાળો છે. સૂર્યાએ દેવિશાને પોતાની કોચ ગણાવી છે અને જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ડેબ્યુ સુધીની સફરમાં દેવિશાએ તેને માનસિક અને ટેકનિકલ રીતે ઘણો સપોર્ટ કર્યો હતો. 7 જુલાઈ 2016ના રોજ દક્ષિણ ભારતીય રીત-રિવાજ મુજબ લગ્ન કરનાર આ જોડી ક્રિકેટ જગતની ફેવરિટ જોડીઓમાંથી એક છે.
IPL 2026માં સંઘર્ષ અને સુકાનીપદ
વ્યક્તિગત જીવનમાં ખુશીઓ વચ્ચે, સૂર્યકુમાર માટે મેદાન પર આઈપીએલ 2026ની સીઝન અત્યાર સુધી મિશ્ર રહી છે. ગત સીઝનમાં (2025) 717 રન ફટકારીને ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે રહેનાર સૂર્યા આ વર્ષે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે, તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી હતી અને ટીમને જીત અપાવીને પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી હતી.
RCB સામેની મેચમાં રમવા પર સસ્પેન્સ
મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ રવિવારે રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે યોજાવાની છે. પિતા બન્યા હોવાના કારણે સૂર્યકુમાર યાદવ આ મહત્વની મેચમાં રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. શક્યતા સેવાઈ રહી છે કે તે પરિવાર સાથે સમય વિતાવવા માટે આ મેચમાંથી બ્રેક લઈ શકે છે.
