IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચ, શું 'દાદા' DCને બનાવી શકશે ચેમ્પિયન?

વર્ષ 2019 માં સૌરવ ગાંગુલી પ્રથમ વખત સલાહકાર તરીકે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 06 Oct 2026 03:59 PM (IST)Updated: Tue, 06 Oct 2026 03:59 PM (IST)
sourav-ganguly-new-head-coach-of-delhi-capitals-for-ipl-2027

Sourav Ganguly Head Coach DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 શરૂ થાય તે પહેલાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ફ્રેન્ચાઇઝીએ ક્રિકેટ જગતમાં મોટી જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની, મહાન બેટ્સમેન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સે પોતાના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. સોશિયલ મીડિયા પર 'દિલ્હી, હવે દાદાગીરીનો સમય છે' (Dilli, it's time for Dadagiri) ના મેસેજ અને વીડિયો સાથે ફ્રેન્ચાઈઝીએ આ જાહેરાત કરી છે.

2019 થી દિલ્હી કેપિટલ્સ સાથે ગાઢ જોડાણ

સૌરવ ગાંગુલીનો દિલ્હી કેપિટલ્સ સાથે ખૂબ જૂનો અને ગાઢ સંબંધ છે. વર્ષ 2019 માં તેઓ પ્રથમ વખત સલાહકાર તરીકે ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા. ત્યારબાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટિંગ સિસ્ટમમાં પુરુષ અને મહિલા બંને ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાઉથ આફ્રિકાની SA20 લીગમાં પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. હવે તેઓ હેમાંગ બદામીની જગ્યા લેશે, જેઓ 2025 અને 2026 ની સીઝનમાં ટીમના મુખ્ય કોચ હતા.

મજબૂત અને ફિયરલેસ ટીમ બનાવવાનો વાયદો

નવી જવાબદારી મળ્યા બાદ ઉત્સાહ વ્યક્ત કરતા સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, "હું IPL માં હેડ કોચની ભૂમિકા ભજવવા માટે અત્યંત ઉત્સાહિત છું. દિલ્હી કેપિટલ્સ એક એવી ફ્રેન્ચાઇઝી છે જે મારા દિલની ખૂબ જ નજીક છે. તેના માલિકો, મેનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. અમારી પાસે એકથી એક ચડિયાતા ટેલેન્ટેડ ખેલાડીઓ છે અને હાલમાં પણ ટીમે શાનદાર ક્રિકેટ રમી બતાવી છે. આગામી નવી સીઝનમાં ટીમ સાથે કામ કરીને એક મજબૂત અને ફિયરલેસ ટીમ બનાવવાનો મારો ધ્યેય રહેશે."

માલિકોએ વ્યક્ત કર્યો ગાંગુલી 'દાદા' પર વિશ્વાસ

દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને કો-ઓનર પાર્થ જિંદલે ગાંગુલીની નિયુક્તિ પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, "દાદા હંમેશા દિલ્હી કેપિટલ્સ પરિવારનો અભિન્ન હિસ્સો રહ્યા છે. ભારતના સૌથી મહાન કેપ્ટન અને વહીવટકર્તાઓમાંથી હવે કોચિંગમાં ડગ માંડીને દિલ્હી કેપિટલ્સના હેડ કોચ બની રહ્યા છે, તે અમારા માટે ગર્વની વાત છે. તેમની વિઝનરી લીડરશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ IPL ટાઇટલ જીતવા માટે સર્વશ્રેષ્ઠ તૈયારી કરશે." ફ્રેન્ચાઇઝીના અન્ય સહ-માલિક કિરણ કુમાર ગ્રંધીએ પણ ગાંગુલીના અનુભવ અને ક્રિકેટિંગ નોલેજથી ટીમને મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

કોચિંગ સ્ટાફ અને કપ્તાનીમાં પણ ફેરફારના સંકેત

દરમિયાન, JSW અને GMR વચ્ચેના સંચાલન કરાર હેઠળ બે સીઝન બાદ જૂના કોચિંગ સ્ટાફ (હેમાંગ બદામી, વેણુગોપાલ રાવ, મુનાફ પટેલ, ઇયાન બેલ અને જોન મુની) સાથેનો કરાર પૂરો થયો છે. અહેવાલો મુજબ, ગાંગુલીની સાથે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને પણ દિલ્હીના સપોર્ટ સ્ટાફમાં બેટિંગ કોચ તરીકે સામેલ કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત કપ્તાનીમાં પણ ફેરફારની અટકળો તેજ બની છે. વિન્ડો ટ્રાન્સફર/ટ્રેડ દ્વારા રિષભ પંતની 15 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સમાં વાપસી થઈ છે, જ્યારે કુલદીપ યાદવ લખનૌની ટીમમાં જોડાયા છે. હાલમાં અક્ષર પટેલ ટીમના કેપ્ટન છે, પરંતુ ગાંગુલીના આગમન બાદ રિષભ પંતને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. 2020 માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ હવે 'દાદા' ના માર્ગદર્શન હેઠળ પોતાની પ્રથમ IPL ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે.