IPL 2023, Shubman Gill : ક્લાવિફાયરમાં મુંબઈને 62 રને હરાવી ગુજરાતે ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આ જીતનો પાયો ગિલની તોફાની ઈનિંગે નાખ્યો હતો. ગિલની તોફાની બેટિંગ જોઈ ન માત્ર મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા જ નહીં પરંતુ ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આશ્ચર્યચકિત હતો. ગિલના શોટ જોઈ હાર્દિક પણ સ્તબ્ધ થઈ ગયો હતો. ગિલની બેટિંગ જોઈ કોમેન્ટેટરો કહી રહ્યા હતા કે એવું લાગે છે કે આપણે મેચની હાઈલાઈટ જોઈ રહ્યા છીએ. મેચ પછી ગિલે પોતાની લાગણીઓ શેર કરી હતી.
ગિલે શું કહ્યું?
ગિલે આ ઈનિંગને પોતાના કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ ગણાવી હતી. હું દરેક ઓવર બાદ શું સ્થિતી છે તે જોઈ રહ્યો હતો. એક ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા પછી મને ખ્યાલ આવી ગયો હતો કે આજે મારો દિવસ છે. આ પીચ બેટ્સમેનો માટે સારી હતી અને હું વધારેને વધારે રન બનાવવા માંગતો હતો. એવું નથી કે મેં મારી બેટિંગમાં અચાનક સુધારો કર્યો હોય, હું સતત પ્રયત્નો કરી રહ્યો હતો. જેમાં મને સફળતા મળી છે. 2021માં મને ઈજા થઈ પછી મેં મારી બેટિંગ પર ઘણું કામ કર્યુ હતું.
મેચમાં ગિલનું પ્રદર્શન
ગિલે 60 બોલમાં 129 રનની ઈનિંગ રમી હતી. જેમાં 10 ગગનચૂંબી છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. 215ની સ્ટ્રાઈક રેટથી ગિલે આ રન બનાવ્યા હતા.
આ સિઝનમાં પ્રદર્શન
ઓરેન્જ કેપની યાદીમાં પણ ગિલ નંબર વન પર આવી ગયો છે. 16 મેચમાં તેના 851 રન બની ગયા છે. ફાફ ડુ પ્લેસિસ જે લાંબા સમયથી નંબર વન પર હતો તે નંબર બે પર જતો રહ્યો છે. ડુપ્લેસિસે 14 મેચમાં 730 રન બનાવ્યા છે. છેલ્લી 4 ઈનિંગમાં ગિલે ત્રણ સદી ફટકારી છે. આ સિઝનમાં ગિલે 3 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે.
મેચમાં શું થયું?
ટોસ જીતીને બોલિંગ લેવી મુંબઈને મોંઘી પડી હતી. કારણ કે પ્રથમ બેટિંગ કરતા ગુજરાતના બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. ગુજરાતે 3 વિકેટના નુકસાને 233 રન કર્યા હતા. જેમાં શુભમન ગિલે 129 રન કર્યા હતા. સાઈ સુદર્શને 43 રન કર્યા હતા. જવાબમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. 18.2 ઓવરમાં 171 રન પર મુંબઈ ઓલ આઉટ થઈ ગયું હતું. 62 રને ગુજરાતની જીત થઈ હતી. ફાઈનલ રવિવારે રમાશે.