ICC T20 Rankings: મહિલા ક્રિકેટ જગતમાં ભારતીય ખેલાડીઓએ ફરી એકવાર પોતાનું દબદબો સાબિત કર્યો છે. મહિલા એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમની ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા T20 રેન્કિંગમાં મોટું ઇનામ મળ્યું છે. આ રેન્કિંગમાં ભારતીય સ્પિનર શ્રી ચરણીએ એવો ઇતિહાસ રચ્યો છે જે આજદિન સુધી કોઈ ભારતીય મહિલા બોલર કરી શકી ન હતી.
શ્રી ચરણીનું ઐતિહાસિક પ્રદર્શન અને રેકોર્ડ
ભારતીય સ્પિનર શ્રી ચરણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર મજબૂતીથી કાબિજ થઈ છે. તાજેતરમાં સંપન્ન થયેલા મહિલા એશિયા કપ 2026માં શ્રી ચરણીએ પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમોના બેટિંગ ક્રમની કમર ભાંગી નાખી હતી. આ આખી ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સની યાદીમાં બીજા સ્થાને રહી હતી, જેમાં તેણે કુલ 12 વિકેટો પોતાના નામે કરી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે તેના રેટિંગ પોઈન્ટ્સ વધીને 804 થઈ ગયા છે.
આ સાથે જ શ્રી ચરણી ભારતની પહેલી એવી મહિલા બોલર બની ગઈ છે, કે જેણે ICC T20 બોલિંગ રેન્કિંગમાં 800 કે તેથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હોય.
દીપ્તિ શર્માએ ચાર સ્થાનની છલાંગ લગાવી
એશિયા કપમાં પોતાની જાદુઈ સ્પિન બોલિંગથી બેટ્સમેનોને નચાવનાર સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને પણ ICCની તાજા રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. દીપ્તિએ ચાર સ્થાનની લાંબી છલાંગ લગાવીને સીધા બીજા સ્થાન પર કબજો જમાવી લીધો છે. અગાઉ તેઓ ચોથા ક્રમે હતી.
હાલમાં તેના 729 રેટિંગ પોઈન્ટ્સ છે અને તે વિશ્વની ટોચની બોલર્સની યાદીમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
ઓપનર શેફાલી વર્મા અને અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ
માત્ર બોલિંગ જ નહીં, પરંતુ બેટિંગ વિભાગમાં પણ ભારતીય છોકરીઓનો જલવો જોવા મળ્યો છે.
શેફાલી વર્મા: ભારતને એશિયા કપ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનર શેફાલી વર્માને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તેણે ટૂર્નામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલ બંને મહત્ત્વની મેચોમાં શાનદાર સદી ફટકારી હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 236 રન બનાવનાર શેફાલીને રેન્કિંગમાં ફાયદો મળ્યો છે અને તે 741 રેટિંગ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર: ભારતીય વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના 745 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને યથાવત છે, જ્યારે ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ છે.
