IPL 2026 Rishabh Pant: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સિઝન પુરી થતાંની સાથે જ ક્રિકેટ જગતમાંથી સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મેગા ઓક્શનમાં ₹27 કરોડની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક કિંમતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમમાં સામેલ થયેલા સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ આખી સિઝનમાં લખનઉની ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું, જેની નૈતિક જવાબદારી સ્વીકારતા હોય તેમ પંતે પોતે ફ્રેન્ચાઇઝી સમક્ષ સુકાનીપદ પરથી મુક્ત થવાની વિનંતી કરી હતી, જેને ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી સ્વીકારી લીધી છે.
ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર પોસ્ટ શેર કરી આપી માહિતી
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક ઔપચારિક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ફ્રેન્ચાઇઝીએ લખ્યું- લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ઔપચારિક રીતે જાહેરાત કરે છે કે ઋષભ પંતે ફ્રેન્ચાઇઝીની કેપ્ટનશીપની જવાબદારીઓમાંથી મુક્ત થવા વિનંતી કરી હતી. ફ્રેન્ચાઇઝીએ તાત્કાલિક અસરથી તેમનો આ અનુરોધ સ્વીકારી લીધો છે. આ સાથે જ મેનેજમેન્ટે કેપ્ટન તરીકે ઋષભ પંતના યોગદાનની પ્રશંસા કરી હતી અને ટીમ પ્રત્યેના તેના સમર્પણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
ક્રિકેટ ડાયરેક્ટર ટોમ મૂડીએ શું કહ્યું?
આ આખા ઘટનાક્રમ પર વાત કરતાં LSGના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ જણાવ્યું કે- ઋષભ પંતે પોતે આ વિષય અંગે ફ્રેન્ચાઇઝીનો સંપર્ક કર્યો હતો અને અમે તેમના નિર્ણયનું સન્માન કરીને આ વિનંતીનો સ્વીકાર કર્યો છે. આવા મુશ્કેલ નિર્ણયો લેવા ક્યારેય સરળ હોતા નથી. ડ્રેસિંગ રૂમમાં અને એક લીડર તરીકે ઋષભે જે યોગદાન આપ્યું છે, તેના માટે અમે હંમેશા તેના આભારી રહીશું. હવે અમારું સંપૂર્ણ ધ્યાન આગામી સમય માટે ટીમને ફરીથી મજબૂત કરવા અને નવા આયોજન સાથે પુનર્ગઠન કરવા પર કેન્દ્રિત છે.
IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન
IPL 2026ની આ સિઝન લખનઉ સુપર જાયન્ટ્સ માટે કોઈ દુઃસ્વપ્ન જેવી રહી છે. ઋષભ પંતની આગેવાનીમાં ફ્રેન્ચાઇઝીએ લીગ સ્ટેજમાં કુલ 14 મેચ રમી હતી, જેમાંથી ટીમ માત્ર 4 મેચમાં જ જીત મેળવી શકી હતી જ્યારે 10 મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 8 પોઈન્ટ અને -0.740ના અત્યંત નબળા નેટ રન રેટ સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા એટલે કે 10મા સ્થાને રહી હતી. પંજાબ કિંગ્સ સામેની મેચમાં 10મી હાર બાદ ઋષભ પંત ભાવુક પણ થઈ ગયો હતો અને તેણે આ સફરને અત્યંત મુશ્કેલ ગણાવી હતી.
IPL 2026માં ઋષભ પંતનું પ્રદર્શન
IPL 2026ની આ સિઝનમાં ઋષભ પંત કુલ 14 મેચ રમ્યો છે. તેનું પ્રદર્શ નિરાશાજનક રહ્યું છે. તેણે કુલ 312 રન બનાવ્યા છે. જેમાં 68 તેનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. બેટ્સમેનોની યાદીમાં એટલે કે ઓરેન્જ કેપમાં તે 29 નંબર પર છે.
