Rishabh Pant વનડે સીરિઝમાંથી બહાર, વિજય હજારે ટ્રોફીમાં ધમાલ મચાવનાર ખેલાડીની થઈ એન્ટ્રી

વનડે શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાના કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 11 Jan 2026 01:14 PM (IST)Updated: Sun, 11 Jan 2026 01:14 PM (IST)
rishabh-pant-ruled-out-of-ind-vs-nz-odi-series-dhruv-jurel-named-replacement

IND vs NZ Rishabh Pant Injury: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચોની વનડે શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાના કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ (BCCI) એ રવિવારે આ માહિતીની પુષ્ટિ કરવાની સાથે પંતના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે નવા ખેલાડીના નામની પણ જાહેરાત કરી દીધી છે.

પ્રેક્ટિસ દરમિયાન પંતને થઈ ગંભીર ઈજા
બીસીસીઆઈની સત્તાવાર રિલીઝ મુજબ શનિવારે બપોરે વડોદરાના BCA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે પંતને જમણા પેટના નીચેના ભાગમાં અચાનક તીવ્ર દુખાવો થયો હતો. તબીબી તપાસ અને MRI સ્કેન બાદ જાણવા મળ્યું કે તેને 'સાઈડ સ્ટ્રેન' (ઓબ્લિક મસલ ટીયર) થયું છે. આ ગંભીર ઈજાને કારણે મેડિકલ ટીમે તેને શ્રેણીમાંથી આરામ કરવાની સલાહ આપી છે.

ધ્રુવ જુરેલની સરપ્રાઈઝ એન્ટ્રી
રિષભ પંતના સ્થાને પસંદગી સમિતિએ સંજુ સેમસન કે ઈશાન કિશનને બદલે ધ્રુવ જુરેલ પર ભરોસો મૂક્યો છે. જુરેલે હાલમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફીમાં પોતાના બેટથી તબાહી મચાવી છે. તે આ ટૂર્નામેન્ટની આ સીઝનમાં 558 રન સાથે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેની આ શાનદાર ફોર્મને જોતા તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે ટીમ સાથે જોડાઈ પણ ગયો છે.

લિસ્ટ-એ ક્રિકેટમાં જુરેલનો શાનદાર રેકોર્ડ
ધ્રુવ જુરેલે ભારત માટે ટેસ્ટ અને ટી20માં ડેબ્યુ કરી લીધું છે, પરંતુ તેને હજુ સુધી વનડે મેચ રમવાની તક મળી નથી. તેના લિસ્ટ-એ રેકોર્ડની વાત કરીએ તો, તેણે 17 મેચોમાં 74.70ની લાજવાબ સરેરાશ સાથે 747 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 160 રન રહ્યો છે. સ્ત્રોતો અનુસાર, વર્તમાન ફોર્મ જોતા પંત માટે જુરેલથી સારો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.

ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતની અપડેટ થયેલી ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ (વિકેટકીપર).