RCB vs MI IPL 2023 Match: IPLની પાંચમી મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (RCB)એ 8 વિકેટથી હરાવી દીધું છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBએ ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં RCBએ 16.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 172 રન બનાવીને મેચ પોતાના નામે કરી છે.
વિરાટ કોહલી અને ડુ પ્લેસિસની સામે મુંબઈના બોલર્સ નિષ્ફળ
RCBની ટીમ 172 રનના ટાર્ગેટને પાર પાડવા માટે શરૂઆતથી જ ધમાકેદાર શરૂઆત કરી હતી. કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ અને વિરાટ કોહલીએ સારી ઓપનિંગકરી હતી. બંનેએ મળીને પહેલી 6 ઓવરમાં જ ટીમનો સ્કોર 53 રને પહોંચાડી દીધો. જે બાદ ડુ પ્લેસિસ અને કોહલીએ પોતાના આક્રમક અંદાજને યથાવત રાખતા ઝડપથી રન બનાવવાનો સિલસિલો યથાવત રાખ્યો. કોહલી અને ડુ પ્લેસિસની જોડીએ 11મી ઓવરમાં જ ટીમનો સ્કોર 100 રનને પાર કર્યો હતો.
https://twitter.com/IPL/status/1642582800577740800
ડુ પ્લેસિસે આ મેચમાં માત્ર 30 બોલમાં જ પોતાની હાફસેન્ચુરી પુરી કરી અને કોહલીએ પણ સીઝનની શરુઆત હાફસેન્ચુરીની સાથે કરી. કોહલીએ 50 રનનો આંકડો 38 બોલમાં પૂરો કર્યો હતો. આ મેચમાં RCBની ટીમને પહેલો ઝટકો 148ના રને ડૂ પ્લેસિસ આઉટ થતાં લાગ્યો હતો. ડૂ પ્લેસિસે 43 બોલમાં 73 રનની ઈનિંગ રમી હતી. તો કોહલીએ 49 બોલમાં 82 રનની શાનદાર ઈનિંગ રમી, નોટઆઉટ રહ્યો. મુંબઈ તરફથી અરશદ ખાને અને કેમરુન ગ્રીનને 1-1 વિકેટ મળી હતી.
મુંબઈમાંથી ફક્ત તિલક વર્માની બેટિંગ જોરદાર રહી
ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ઘણી જ નબળી રહી હતી. અને 20 રન સુધીમાં 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ યુવા બેટ્સમેન તિલક વર્માએ એક બાજુ સંભાળી રાખતા રનની ગતિને આગળ વધારી હતી, અને ટીમનો સ્કોર સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. તિલક વર્માએ 46 બોલમાં 84 રનની શાનદાર ઈનિંગ રમી હતી, તિલક વર્મા પણ નોટઆઉટ રહ્યો હતો. તિલમ વર્માની શાનદાર બેટિંગને પગલે મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન કરી શકી હતી. RCB તરફથી કર્ણ શર્માએ 2 વિકેટ મેળવી હતી. જ્યારે મોહમ્મદ સિરાઝ, રિસ ટૉપલી, હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી હતી.
MI 2013થી સીઝનની પહેલી મેચ હારે છે
મુંબઈ ઈન્ડિયન્સ વર્ષ 2013થી સીઝનની પોતાની મેચ હાર્યું છે. ત્યારે આ પ્રથા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે. વર્ષ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ RCB સામે પોતાની સીઝનની પહેલી મેચ 2 રનથી હાર્યું હતું. વર્ષ 2014માં પણ કોલકતાએ મુંબઈ ઈન્ડિયન્સને 41 રનથી હરાવ્યું હતું. તો 2015માં પણ MI સીઝનની પોતાની પહેલી મેચ KKR સામે 7 વિકેટથી હાર્યું હતું. આ સિલસિલો 2016માં પણ યથાવત રહેતા રાયઝિંગ પુણે સુપરજાયન્ટે મુંબઈને 9 વિકેટથી હરાવ્યું હતું. વર્ષ 2017માં આ બંને ટીમ વચ્ચે જ સીઝનનો પ્રથમ મુકાબલો થયો હતો જેમાં મુંબઈ 7 વિકેટથી હાર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2018માં CSKએ મુંબઈને 1 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે વર્ષ 2019માં દિલ્હીની ટીમે રોહિત બ્રિગેડને 37 રને હરાવ્યું હતું. તો વર્ષ 2020માં ફરી CSKએ મુંબઈ ઈન્ડિન્સને 5 વિકેટે તો વર્ષ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈને 2 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિન્સ દિલ્હી સામે 2022માં પોતાની પ્રથમ મેચ રમ્યું અને 4 વિકેટે હાર્યું હતું. તો આ વર્ષે પણ RCBએ MIને સીઝનની પ્રથમ મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે.