સગાઈના માત્ર 6 મહિનામાં જ તૂટ્યા સંબંધો, ક્રિકેટર પૃથ્વી શૉ અને મંગેતર આકૃતિ અગ્રવાલ થયા અલગ

ભારતીય બેટ્સમેન પૃથ્વી શૉની સગાઈ 6 મહિનાની અંદર જ તૂટી ગઈ છે. તેની મંગેતર આકૃતિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 17 Sep 2026 06:38 PM (IST)Updated: Thu, 17 Sep 2026 06:38 PM (IST)
prithvi-shaw-akriti-agarwal-break-engagement-after-6-months

Prithvi Shaw Engagement Broken: ભારતીય ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શૉ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ વખતે કારણ ક્રિકેટ નથી પરંતુ તેની અંગત જિંદગી છે. પૃથ્વી શૉની સગાઈ માત્ર 6 મહિનાની અંદર જ તૂટી ગઈ છે. તેની મંગેતર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સત્તાવાર રીતે આ સંબંધનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે.

માર્ચ મહિનામાં કરી હતી સગાઈ

આ અગાઉ, આકૃતિ અગ્રવાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી પરંતુ ત્યારે તેણે સ્પષ્ટતા કરી નહોતી. હવે તેણે ખુલ્લેઆમ પૃથ્વી શૉથી અલગ થવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, આકૃતિ અગ્રવાલ અને પૃથ્વી શૉએ આ વર્ષે 8 માર્ચે જ એકબીજા સાથે સગાઈ કરી હતી અને બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે લગ્નના બંધને બંધાયા વગર જ માત્ર 6 મહિનામાં તેમના રસ્તાઓ જુદા થઈ ગયા છે.

આકૃતિ અગ્રવાલે પોસ્ટમાં શું લખ્યું?

પૃથ્વી શૉ સાથેનું રિલેશનશિપ પૂરું થયાની જાહેરાત કરતા આકૃતિએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- હું ખૂબ જ દુઃખી મન સાથે જણાવી રહી છું કે મેં અને મારા મંગેતરે ભવિષ્યના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને અલગ થવાનો નિર્ણય લીધો છે. એકબીજા પ્રત્યે પ્રેમ અને કાળજી હોવા છતાં, અમે એ સ્વીકારી લીધું છે કે આપણી રાહ હવે એકસાથે નથી. વર્તમાન પરિસ્થિતિઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીને અમે પરસ્પર સંમતિથી આ ફેસલો કર્યો છે.

તેણે આગળ લખ્યું- હું હવે આગળ વધી રહી છું અને ઈચ્છું છું કે આપણા બંનેના જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે. હું દરેકને વિનંતી કરું છું કે અમારી પ્રાઇવસી એટલે કે નિજતાનું સન્માન કરે અને આ મામલે કોઈપણ પ્રકારની ખોટી અટકળો કે ધારણાઓ ન બાંધે.

ક્રિકેટ કારકિર્દી અને વિવાદો

પૃથ્વી શૉને ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી અને હોનહાર ખેલાડીઓમાં ગણવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ડોપિંગ કેસ અને અન્ય કેટલાક વિવાદોને કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ક્રિકેટના મેદાન પર પડકારોનો સામનો કરી રહેલા પૃથ્વી શૉ માટે અંગત જીવનમાં આવેલો આ વળાંક પણ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, અલગ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે બહાર પાડ્યું નથી.