PCB Chairman Mohsin Naqvi: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવી હાલમાં ભારતીય ક્રિકેટ ચાહકોના નિશાના પર છે. ભારત તરફથી અવારનવાર રમત ક્ષેત્રે અડચણો ઊભી કરવા અને વિવાદાસ્પદ વલણ અપનાવવાને કારણે તેમની છબી ભારતમાં એક 'વિલન' તરીકે ઉપસી આવી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની પુરુષ ટીમ હોય કે હરમનપ્રીત કૌરની મહિલા ક્રિકેટ ટીમ, બે મોટા પ્રસંગોએ એશિયા કપની ટ્રોફીના સ્વીકાર અને વિતરણને લઈને સર્જાયેલા વિવાદ પાછળ નકવીનું વલણ મુખ્ય કારણ માનવામાં આવે છે.
એકસાથે બે પાંખ: રમત અને પાકિસ્તાની રાજકારણનો સંગમ
પીસીબી ચેરમેન હોવાની સાથે સાથે મોહસીન નકવી પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે. તેઓ પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ અને રાજકારણમાં શક્તિશાળી વર્ચસ્વ ધરાવે છે. આ જ કારણ છે કે જ્યારે BCCI અથવા ભારતીય અધિકારીઓ તેમની સાથે ક્રિકેટ સંબંધિત ચર્ચા કરે છે, ત્યારે તે રમતના બદલે રાજકીય વાટાઘાટો જેવું સ્વરૂપ ધારણ કરી લે છે. નકવી દ્વારા અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપવા અને સોશિયલ મીડિયા પર ભારત પર ટિપ્પણીઓ કરવાથી બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને 'ટ્રોફી ચોર' સુધીના વિવાદો
નકવીએ હોદ્દો સંભાળ્યો ત્યારથી જ ભારતીય ક્રિકેટ માટે અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાનપદથી લઈને એશિયા કપ સુધી દરેક તબક્કે તેમણે ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે દુબઈ સ્ટેડિયમમાં બનેલી ઘટના બાદ ફેન્સ દ્વારા તેમને "ટ્રોફી ચોર" સુધી કહી દેવામાં આવ્યા હતા, કારણ કે ભારતીય ટીમે તેમના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કર્યા બાદ તેઓ ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા જે હજુ સુધી પરત મળી નથી.
કોઈપણ રાજદ્વારી કે રમતગમત સંબંધિત મધ્યમ માર્ગ શોધવાને બદલે નકવીનો અભિગમ હંમેશા ભારતીય ક્રિકેટને ઝુકાવવાનો રહ્યો છે, પરંતુ દર વખતે તેમને નિરાશા અને જાહેર અપમાનનો જ સામનો કરવો પડ્યો છે.
