Riyan Parag Vaping Video, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ-સિગારેટ) કરતા કેમેરામાં ઝડપાયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે. એક તરફ ટીમની શાનદાર જીતની ચર્ચા હતી, ત્યાં બીજી તરફ કેપ્ટનના આ કૃત્યએ શિસ્તના ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
મેચમાં શાનદાર પ્રદર્શન છતાં વિવાદની છાયા
મંગળવારે ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ સામે 223 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. ડોનોવન ફેરેરાના અણનમ 52* રન અને શુભમ દુબેના 31* રનની મદદથી ટીમે 4 બોલ બાકી રહેતા 6 વિકેટે વિજય મેળવ્યો હતો. જોકે, આ ભવ્ય વિજયની ઉજવણી વચ્ચે કેપ્ટન રિયાન પરાગની હરકતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
Riyan parag was caught vaping in dressing room ,how it's allowed inside dressing room bcci whats happening pic.twitter.com/BsYHuunBuj
— cherry_gems (@Introvert2core) April 28, 2026
શું છે સમગ્ર મામલો?
વાયરલ થયેલા વીડિયોમાં રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં છૂપી રીતે ઇલેક્ટ્રોનિક વેપિંગ ડિવાઇસનો ઉપયોગ કરતા જોવા મળે છે. જે સમયે પરાગ વેપિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં ટીમની અન્ય યુવા પ્રતિભાઓ યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ પણ હાજર હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થતા ચાહકો અને પૂર્વ ક્રિકેટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
BCCI ના નિયમો અને કાયદાકીય ગૂંચ
BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના કડક નિયમો અનુસાર, સ્ટેડિયમ, ડગઆઉટ કે ડ્રેસિંગ રૂમમાં કોઈપણ પ્રકારનું ધૂમ્રપાન કે વેપિંગ કરવું સખત પ્રતિબંધિત છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભીંડરને ડગઆઉટમાં મોબાઈલ ફોન વાપરવા બદલ 1,00,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે કેપ્ટન દ્વારા જ નિયમનો ભંગ થતા મામલો વધુ ગંભીર બન્યો છે.
ભારતમાં પણ 'ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ (PECA), 2019' હેઠળ વેપિંગ ઉપકરણોનો ઉપયોગ અને વેચાણ ગેરકાયદેસર છે. આ નિયમોના ઉલ્લંઘન બદલ 60,000 થી 5,00,000 સુધીના દંડ તેમજ જેલની સજાની જોગવાઈ પણ છે.
સંભવિત કાર્યવાહી અને સજા
BCCI આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. જો રિયાન પરાગ દોષિત સાબિત થાય, તો તેને કડક શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, જેમાં ભારે નાણાકીય દંડ, ઔપચારિક ચેતવણી તેમજ એક કે તેથી વધુ મેચો માટે પ્રતિબંધ જેવી સજાઓનો સમાવેશ થઈ શકે છે.
શું છે આ 'વેપિંગ'?
વેપિંગ એ ઈ-સિગારેટ અથવા વેપ પેન જેવું બેટરી સંચાલિત ડિવાઈસ છે. તેમાં રહેલા વિશિષ્ટ પ્રવાહી (ઈ-લિક્વિડ) ને ગરમ કરીને તેની વરાળ શ્વાસમાં લેવામાં આવે છે. આ પ્રવાહીમાં નિકોટિન, કૃત્રિમ સ્વાદ અને હાનિકારક રસાયણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
