Viral Video, PBKS vs RR IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની રોમાંચક મેચ દરમિયાન એક અત્યંત દુખદ ઘટના બની હતી. મેચના પ્રારંભિક તબક્કામાં જ પંજાબ કિંગ્સના સ્ટાર ખેલાડી પ્રિયાંશ આર્યનો એક જોરદાર સિક્સર સીધો જ સ્ટેન્ડમાં બેઠેલા એક વૃદ્ધ ચાહકના ચહેરા પર વાગ્યો હતો, જેના કારણે સ્ટેડિયમમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
કેવી રીતે બની આ ઘટના?
આ ઘટના પંજાબ કિંગ્સની બેટિંગ દરમિયાન બીજી ઓવરમાં બની હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી નાંદ્રે બર્ગર બોલિંગ કરી રહ્યો હતો. પ્રિયાંશ આર્યએ એક જોરદાર પુલ શોટ ફટકાર્યો જે સીધો બાઉન્ડ્રી લાઇન પાર કરીને પ્રેક્ષકો વચ્ચે જઈ પડ્યો હતો. કમનસીબે, આ બોલ ત્યાં હાજર એક વૃદ્ધ ચાહકના ચહેરા પર વાગ્યો હતો. સિક્સર એટલો શક્તિશાળી હતો કે ચાહકનો ચહેરો લોહીથી લથપથ થઈ ગયો હતો અને તેના કપડાં પણ લોહીના ડાઘાથી ભરાઈ ગયા હતા.
Priyansh Arya six badly injured a man's head in stands. pic.twitter.com/csNqEadB92
— Selfless⁴⁵ (@SelflessCricket) April 28, 2026
સ્થળ પર હાજર અન્ય પ્રેક્ષકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી લોહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો મુજબ, ઇજાગ્રસ્ત ચાહકની હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રિયાંશ આર્યનું આક્રમક ફોર્મ
આ દુર્ઘટના છતાં પ્રિયાંશ આર્યએ પોતાની આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. તેણે માત્ર 11 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 29 રન ફટકાર્યા હતા. જોકે, ત્રીજી ઓવરમાં જોફ્રા આર્ચરે તેને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. પ્રિયાંશ હાલ શાનદાર ફોર્મમાં છે અને તેણે આ સીઝનની 7 મેચોમાં 40.42 ની સરેરાશથી 283 રન બનાવ્યા છે.
તોતિંગ સ્કોર છતાં પંજાબની હાર
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે માર્કસ સ્ટોઇનિસ (22 બોલમાં 62*, 4 ચોગ્ગા અને 6 છગ્ગા) અને પ્રભસિમરન સિંહ (44 બોલમાં 59, 6 ચોગ્ગા અને 1 છગ્ગા) ની અડધી સદીઓની મદદથી 222/4 નો સ્કોર નોંધાવ્યો હતો.
જવાબમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર લડત આપી હતી. ઓપનર વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 43 રન અને યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રન કરીને 51 રનની મજબૂત ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરોમાં ડોનોવન ફેરેરા (26 બોલમાં 52) અને શુભમ દુબે (12 બોલમાં 31) વચ્ચે થયેલી 77 રનની અણનમ ભાગીદારીએ રાજસ્થાનને 4 બોલ બાકી રહેતા જીત અપાવી હતી.
પોઈન્ટ ટેબલની સ્થિતિ
હાર છતાં પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને યથાવત છે (6 જીત, 1 રદ મેચ, 1 હાર). બીજી તરફ, આ મહત્વપૂર્ણ જીત બાદ રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે (6 જીત, 3 હાર).
