Usman Khawaja stranded at 195 Not Out: ખ્વાજા સાથે થયું સચિન જેવું, બેવડી સદીથી માત્ર 5 રન દૂર હતો અને કમિન્સે ઇનિંગ્સ ડિક્લેર કરી

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Sat, 07 Jan 2023 02:44 PM (IST)Updated: Sun, 08 Jan 2023 07:39 AM (IST)
pat-cummins-declared-the-innings-when-khawaja-was-playing-on-195-runs

Usman Khawaja stranded at 195 Not Out: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજા (Usman Khwaja) સાથે સચિન તેંડુલકર જેવું થયું છે. સાઉથ આફ્રિકા સામે સિડની ખાતેની ન્યૂ યર ટેસ્ટમાં ખ્વાજા 195 રને અણનમ હતો, ત્યારે કેપ્ટન પેટ કમિન્સે ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી. બેવડી સદીથી માત્ર 5 રન દૂર ખ્વાજા માઈલસ્ટોન સુધી પહોંચી શક્યો નહીં. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન સાથે પણ આવું થઈ ચૂક્યું છે.

સચિન 194* પર હતો, ત્યારે દ્રવિડે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી
ભારતીય ટીમ એપ્રિલ 2004માં પાકિસ્તાનના પ્રવાસે હતી ત્યારે મુલ્તાન ટેસ્ટ વખતે સચિન તેંડુલકર સાથે આ અણગમતો બનાવ બન્યો હતો. તે 194 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે સમયના કેપ્ટન રાહુલ દ્રવિડે ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. આ વિવાદ ઇન્ડિયન ક્રિકેટમાં લાંબો સમય ચાલ્યો હતો, જ્યાં સચિને આ અંગે નિરાશા પણ વ્યક્ત કરી હતી. જો કે, દ્રવિડે કહેલું કે, મેચ જીતવા માટે પાકિસ્તાનને 2 વાર ઓલઆઉટ કરવા માટે પૂરતો ટાઇમ મળી રહે એ માટે ડિક્લેરેશન કર્યું હતું. નોંધનીય છે કે, ભારતે આ ટેસ્ટ એક ઇનિંગ્સ અને 52 રને જીતી હતી.

ક્રિકેટમાં ત્રીજીવાર થયું આવું ડિકલરેશન
પ્લેયર 190થી વધુ રને રમી રહ્યો હોય અને કેપ્ટન ઇનિંગ્સ ડિક્લેર કરે તેવું ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજીવાર બન્યું છે. ખ્વાજા અને સચિન પહેલાં 1960માં વેસ્ટઇન્ડિઝના ફ્રેન્ક વોરેલ સાથે પણ આવું થયું હતું. વોરેલ ઇંગ્લેન્ડ સામે 197* રને રમી રહ્યો હતો ત્યારે તેના કેપ્ટન ગેરી એલેકસેન્ડરે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

ડિક્લેરેશનને લીધે પ્રથમ ડબલ સેન્ચુરીની તક ગુમાવનાર પ્રથમ પ્લેયર
ખ્વાજા ટેસ્ટ ક્રિકેટમાં ડિક્લેરેશનને લીધે પ્રથમ ડબલ સેન્ચુરીની તક ગુમાવનાર પહેલો પ્લેયર બન્યો છે. સચિન તેંડુલકર અને ફ્રેન્ક વોરેલ સાથે આવું થયું એ પહેલાં તેમણે પ્રથમ ડબલ સેન્ચુરી મારી રાખી હતી.

કમિન્સે ઇનિંગ્સ કેમ ડિક્લેર કરી?
ખ્વાજા 195* રને અણનમ હતો તેમ છતાં કમિન્સે ઇનિંગ્સ ડિક્લેર કરી એનું પાછળનું કારણ પણ જાણી લઈએ. મેચનો આખો ત્રીજો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 4 વિકેટે 475 રન કરી દીધા હોવાથી મેચમાં રિઝલ્ટ લાવવા માટે કમિન્સે આ પગલું ભર્યું. ચોથા દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 6 વિકેટે 149 રન છે અને તે કાંગારુંથી 326 રન પાછળ છે.