Doug Bracewell Retirement: ન્યુઝીલેન્ડના અનુભવી સ્ટાર ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલે 18 વર્ષની લાંબી અને શાનદાર કારકિર્દી બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય બ્રેસવેલ છેલ્લા કેટલાક સમયથી ઈજાની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો, જેના કારણે તેણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સંન્યાસ લેતા ભાવુક થયો ડગ બ્રેસવેલ
પોતાની નિવૃત્તિ પર બ્રેસવેલે ભાવુક થતા જણાવ્યું કે ક્રિકેટ તેના જીવનનો ગૌરવશાળી ભાગ રહ્યો છે અને બાળપણથી દેશ માટે રમવાનું તેનું સપનું હતું, જેના માટે તે હંમેશા આભારી રહેશે. ક્રિકેટના મેદાનમાં ડગ બ્રેસવેલ એક 'ઓલ-રાઉન્ડ આર્મી નાઈફ' સમાન હતો, જેણે બેટ અને બોલ બંને વડે ન્યુઝીલેન્ડને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.
ડગ બ્રેસવેલ ક્રિકેટ કરિયર
બ્રેસવેલે ન્યુઝીલેન્ડ માટે 28 ટેસ્ટ, 21 વનડે અને 20 ટી20 મેચો રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 74 વિકેટ ઝડપી છે, જ્યારે મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં તેણે કુલ 46 વિકેટ પોતાના નામે કરી છે. તેના કરિયરની સૌથી યાદગાર ક્ષણ ડિસેમ્બર 2011નો હોબાર્ટ ટેસ્ટ હતી. પોતાની માત્ર ત્રીજી ટેસ્ટ મેચમાં તેણે 60 રન આપીને 9 વિકેટ ઝડપી હતી, જેના કારણે ન્યુઝીલેન્ડે 26 વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત મેળવી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બ્રેસવેલ એક દુર્લભ ઓલરાઉન્ડર સાબિત થયો છે, જેણે 4000 થી વધુ રન અને 400 થી વધુ વિકેટ (137 મેચમાં 437 વિકેટ અને 4505 રન) મેળવી છે. તેની કુલ કારકિર્દીમાં તેણે 637 વિકેટ ઝડપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત, તેણે IPL 2012 માં દિલ્હી ડેયરડેવિલ્સ અને SA20 2024 માં જોબર્ગ સુપર કિંગ્સ તરફથી પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
બ્રેસવેલનો પરિવાર ક્રિકેટ સાથે ઊંડો નાતો ધરાવે છે. તેના પિતા બ્રેન્ડન અને કાકા જોન બ્રેસવેલ ટેસ્ટ ક્રિકેટર રહી ચૂક્યા છે, જ્યારે તેનો પિતરાઈ ભાઈ માઈકલ બ્રેસવેલ હાલમાં ન્યુઝીલેન્ડ ટીમનો મહત્વનો ભાગ છે.

