એરપોર્ટ પર કુમાર સંગાકારાના પરિવાર સાથે ગેરવર્તણૂક: એરલાઇનના સ્ટાફ પર દાદાગીરી અને રંગભેદનો આરોપ

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારાએ ડબલિન એરપોર્ટ પર રાયનએરના સ્ટાફ સામે પોતાના પરિવાર સાથે ગેરવર્તણૂક અને ભેદભાવનો આરોપ લગાવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 12:47 PM (IST)Updated: Thu, 29 Oct 2026 12:47 PM (IST)
kumar-sangakkara-ryanair-dublin-airport-family-misbehaviour-racism-allegations

Kumar Sangakkara News: શ્રીલંકાના પૂર્વ સુકાની અને આઇપીએલ (IPL) માં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ કુમાર સંગાકારાએ આયર્લેન્ડના ડબલિન એરપોર્ટ પર તેમના પરિવાર સાથે થયેલી ગેરવર્તણૂક અને દાદાગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. વિશ્વના સર્વકાલીન મહાન વિકેટકીપર-બેટ્સમેનોમાં ગણાતા સંગાકારાએ આયર્લેન્ડની લો-કોસ્ટ એરલાઇન રાયનએરના ગેટ સ્ટાફ પર તેમના પરિવાર સાથે ભેદભાવપૂર્ણ અને ધમકીભર્યું વર્તન કરવાનો સંગીન આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી

28 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો કડવો અનુભવ શેર કરતા કુમાર સંગાકારાએ લખ્યું કે, ડબલિન એરપોર્ટ પર રાયનએરના સ્ટાફ દ્વારા તેમના અને તેમના પરિવાર સાથે જે રીતે વાતચીત કરવામાં આવી તે અત્યંત આઘાતજનક અને અસ્વીકાર્ય હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "શું ડબલિનમાં અન્ય કોઈ મુસાફરોએ પણ રાયનએરના ગેટ સ્ટાફ દ્વારા આવા ભેદભાવનો સામનો કરવો પડ્યો છે? મારી અને મારા પરિવાર સાથે આવું જ બન્યું, જે ખૂબ જ ચોંકાવનારું હતું."

સંગાકારાએ સ્પષ્ટ કર્યું હતું કે, ડબલિનમાં તેમનો આ પહેલો જ ખરાબ અનુભવ હતો. તેમણે એરલાઇન સ્ટાફની પ્રક્રિયાઓ સંભાળવાની શૈલી અને તેમના ધમકીભર્યા વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

વિદેશમાં એશિયાઈ નાગરિકો સાથે ભેદભાવ અંગે ચર્ચા જાગી

સંગાકારાની આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર એરલાઇન્સ દ્વારા મુસાફરો સાથે કરવામાં આવતા વ્યવહાર અંગે મોટી બહસ છેડાઈ ગઈ છે. શ્રીલંકાના સજીવ વીરાવારના નામના યુઝરે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં વિદેશ પ્રવાસ અને વિદેશમાં રહેવા દરમિયાન એશિયાઈ લોકો સાથે થતા રંગભેદ અને ભેદભાવના પોતાના અનુભવો શેર કર્યા હતા. તેના જવાબમાં સંગાકારાએ સ્વીકાર્યું હતું કે આવી પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ જ પરેશાન કરનારો અને માનસિક રીતે પીડા આપનારો હોય છે.

અહેવાલો અનુસાર, આયર્લેન્ડમાં એશિયાઈ લોકો અને વિદેશીઓ પ્રત્યેનો દ્વેષ અને નસલીય ટિપ્પણીઓ હજુ પણ ચિંતાનો વિષય બનેલી છે.

રાયનએર એરલાઇનનો વિવાદો સાથે જૂનો નાતો

જે એરલાઇન સામે આરોપો લાગ્યા છે તે રાયનએર (Ryanair) આયર્લેન્ડના કાઉન્ટી ડબલિનના સ્વોર્ડ્સમાં હેડક્વાર્ટર ધરાવતી એક જાણીતી 'અલ્ટ્રા-લો-કોસ્ટ' એરલાઇન છે. આ એરલાઇન અગાઉ પણ અનેક વિવાદોમાં રહી છે. તાજેતરમાં જ તેના CEO માઇકલ ઓ'લેરીએ પ્રતિસ્પર્ધી એરલાઇન્સ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બદલ માફી માંગવી પડી હતી.

કુમાર સંગાકારાનું ભવ્ય ક્રિકેટ કરિયર

  • તેમણે વર્ષ 2015 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
  • પોતાના ભવ્ય કરિયરમાં તેમણે 594 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 28,016 રન બનાવ્યા છે.
  • તેમના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 63 સદી નોંધાયેલી છે.
  • નિવૃત્તિ બાદ પણ તેઓ ક્રિકેટ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને હાલમાં આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યા છે.