Kavya Maran Sunrisers Leeds: આઈપીએલ (IPL) ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કાવ્યા મારને પોતાની એક ટીમનું નામ બદલી નાખ્યું છે. જોકે આ ફેરફાર IPLની ટીમ માટે નથી, પરંતુ ધ હન્ડ્રેડ લીગમાં રમતી તેમની ટીમ નોર્ધન સુપરચાર્જર્સ (Northern Superchargers) માટે કરવામાં આવ્યો છે. 2026માં શરૂ થનારી ધ હન્ડ્રેડની આગામી સિઝનથી પહેલાં જ નોર્ધન સુપરચાર્જર્સના નામ બદલવાની ચર્ચા હતી. કાવ્યા મારને ધ હન્ડ્રેડમાં રમતી પોતાની આ ટીમનું નામ બદલીને હવે સનરાઇઝર્સ લીડ્સ કરી દીધું છે.
IPL અને SA20ની જેમ ‘સનરાઇઝર્સ’ની છાપ
કાવ્યા મારનના સન ગ્રુપ દ્વારા નવા નામ અંગેના દસ્તાવેજો લીડ્સ સ્થિત કંપનીઝ હાઉસમાં જમા કરવામાં આવ્યા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે 'સુપરચાર્જર્સ' નામ હવે આગળ માટે બંધ કરી દેવામાં આવશે. નવું નામ સનરાઇઝર્સ લીડ્સ રાખવા પાછળનું કારણ ફ્રેન્ચાઇઝી ઓળખ જાળવવાનું છે. જે રીતે IPLમાં કાવ્યા મારનની ટીમનું નામ સનરાઇઝર્સ હૈદરાબાદ છે અને SA 20 લીગમાં તેમની ટીમનું નામ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ છે, તે જ રીતે ધ હન્ડ્રેડમાં પણ હવે 'સનરાઇઝર્સ' નામ જોડવામાં આવ્યું છે.
ચેન્નઈ સ્થિત ભારતીય મીડિયા સમૂહ સન ગ્રુપે આ વર્ષની શરૂઆતમાં નોર્ધન સુપરચાર્જર્સને 1155 કરોડમાં હસ્તગત કરી હતી. યોર્કશાયરે ઈસીબી (ECB)ના 49 ટકા હિસ્સા ઉપરાંત સુપરચાર્જર્સમાં પોતાનો 51 ટકા હિસ્સો વેચવાનો વિકલ્પ પસંદ કર્યો, જેનો અર્થ છે કે હવે સન ગ્રુપ પાસે કંપનીના 100% શેર છે. આ ફ્રેન્ચાઇઝી લીડ્સ સ્થિત છે, તેથી તેના નવા નામમાં કાવ્યા મારનના ટ્રેડમાર્ક 'સનરાઇઝર્સ'ની સાથે 'લીડ્સ' પણ જોડવામાં આવ્યું છે. જે કંપની અગાઉ નોર્ધન સુપરચાર્જર્સ તરીકે ઓળખાતી હતી, તે હવે સત્તાવાર રીતે સનરાઇઝર્સ લીડ્સ બની ગઈ છે.
અન્ય બે ટીમોના નામ પણ બદલાશે
ધ હન્ડ્રેડમાં રમતી 8 ટીમોમાં નોર્ધન સુપરચાર્જર્સ ત્રીજી ટીમ છે, જેનું નામ બદલવામાં આવ્યું છે. 2026ની સિઝન માટે ધ હન્ડ્રેડમાં અન્ય બે સંભવિત નામમાં બદલાવ પણ થવાની શક્યતા છે. મેન્ચેસ્ટર ઓરિજિનલ્સનું નામ બદલીને મેન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ કરવામાં આવશે. ઓવલ ઇન્વિન્સિબલનું નામ બદલીને મુંબઈ ઇન્ડિયન્સ લંડન રાખવામાં આવવાની શક્યતા છે.
