ડોન દાઉદ અને કપિલ દેવનો થયો આમનો-સામનો, કહ્યું-"આ કોણ છે, બહાર જાઓ"; શું હતો સમગ્ર કિસ્સો?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ પહેલા ડોન દાઉદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 09 Oct 2026 08:56 AM (IST)Updated: Fri, 09 Oct 2026 08:56 AM (IST)
kapil-dev-scolds-dawood-ibrahim-indian-cricket-dressing-room-india-pakistan-final-1886-tri-series
Kapil Dev-Don Dawood

Don Dawood and Kapil Dev Incident: વર્ષ 1986 માં ભારત-પાકિસ્તાન ફાઈનલ મેચ પહેલા ડોન દાઉદ ઈબ્રાહિમ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ઘૂસી આવ્યો અને ખેલાડીઓને કાર ભેટ આપવાની ઓફર કરી હતી. કેપ્ટન કપિલ દેવે ગુસ્સે થઈને તેને બહાર કાઢી મૂક્યો હતો. વાંચો આ રસપ્રદ કિસ્સો.

એક સમય એવો હતો જ્યારે ક્રિકેટથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડ સુધી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો દબદબો અને બોલબાલા હતો. ક્રિકેટમાં મેચ ફિક્સિંગ અને ખેલાડીઓ સાથે પણ દાઉદનો સંપર્ક હતો અને આ બાબતે તેનું નામ અનેક વખત સામે આવ્યું. સામાન્ય રીતે દાઉદનું નામ સાંભળીને જ લોકો ભય અને ખૌફમાં આવી જતા હતા. પરંતુ એક નામ એવું હતું જેણે ડોન દાઉદને ડ્રેસિંગ રૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો.

40 વર્ષ જૂનો કિસ્સો: ટ્રાઈ સિરીઝ અને ડ્રેસિંગ રૂમ

આ ઘટના આજથી લગભગ 40 વર્ષ પહેલા 80 અને 90ના દાયકાની છે, જ્યારે અંડરવર્લ્ડમાં દાઉદનો ભારે બોલબાલા હતી. એ સમયે UAE માં ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટ્રાઈ સિરીઝ રમાઈ રહી હતી. વર્ષ 1986માં રમાયેલી આ ટ્રાઈ સિરીઝની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાવાની હતી.

ફાઈનલ મુકાબલાના એક દિવસ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ નેટમાં પ્રેક્ટિસ કર્યા પછી ડ્રેસિંગ રૂમમાં હાજર હતા. આ દરમિયાન હિન્દી સિનેમાના મશહૂર અભિનેતા મહમૂદ કેટલાક લોકો સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા. તેમણે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને પરિચય આપતા જણાવ્યું કે આ એક મોટા બિઝનેસમેન છે, પરંતુ વાસ્તવમાં તે વ્યક્તિ દાઉદ ઈબ્રાહિમ હતો.

પાકિસ્તાનને હરાવવા પર ટોયોટા કોરોલા કારની ઓફર

દાઉદ જ્યારે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યો, ત્યારે તેણે વાતચીત કરતા ખેલાડીઓને એક ઓફર આપી હતી. તેનું કહેવું હતું કે જો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દેશે, તો ટીમના દરેક ખેલાડીને ભેટ સ્વરૂપે એક 'ટોયોટા કોરોલા' (Toyota Corolla) કાર આપવામાં આવશે. આ ઓફર સાંભળીને દરેક ખેલાડી હેરાન થઈ ગયા હતા, કારણ કે એ દાયકામાં વિદેશી કાર મળવી એ ખૂબ જ મોટી વાત ગણાતી હતી.

કપિલ દેવનો કડક મિજાજ અને દાઉદની એક્ઝિટ

જ્યારે દાઉદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવ્યો ત્યારે ભારતીય કેપ્ટન કપિલ દેવ ત્યાં હાજર નહોતા, તેઓ પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા. કપિલ દેવ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાંથી પાછા આવ્યા, ત્યારે ડ્રેસિંગ રૂમમાં અજાણ્યા બહારના લોકોને જોઈને તેઓ ભડકી ગયા હતા.

તેમણે અભિનેતા મહમૂદને સ્પષ્ટ શબ્દોમાં તેમને બહાર જવા માટે કહી દીધું હતું. આ સાથે જ કપિલ દેવે કડક લહેજામાં દાઉદને પણ કહ્યું, "આ કોણ છે, બહાર જાઓ અત્યારે." કપિલ દેવનો આ ગુસ્સો જોઈને દાઉદ ઈબ્રાહિમ કશું જ બોલ્યા વિના ચૂપચાપ બહાર જતો રહ્યો હતો.

બાદમાં જ્યારે કપિલ દેવને જણાવવામાં આવ્યું કે જેને તેમણે ડ્રેસિંગ રૂમમાંથી ભગાડી મૂક્યો તે વ્યક્તિ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ હતો. છતાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ તેનો જરાય ડર લાગ્યો ન હતો અને તેમના ચહેરા પર ચિંતાની એક રેખા પણ નહોતી.