IND vs WI: સંજૂ સેમસનના સ્થાને વૈભવ સૂર્યવંશીને મળશે તક? બીજી ટી20 પહેલા નેટ સેશનથી મળ્યા મોટા સંકેત

રાંચીમાં ગુલાબી ઠંડીના માહોલમાં ભારતીય ટીમે લગભગ બે કલાક સુધી સઘન અભ્યાસ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 09 Oct 2026 09:38 AM (IST)Updated: Fri, 09 Oct 2026 09:40 AM (IST)
ishan-kishan-and-vaibhav-suryavanshi-chance-in-ind-vs-wi-2nd-t20-playing-xi-ranchi
સંજૂ સેમસન-વૈભવ સૂર્યવંશી

IND vs WI 2nd T20 Playing XI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાંચીમાં રમાનાર બીજી T20 મેચ માટેની ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ મેચ પહેલા નેટ સેશનમાં ઈશાન કિશન અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી ધમાકો મચાવ્યો છે. આ સમાચાર સામે આવતા જ વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળે તેવી શક્યતા લાગી રહી છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચ પહેલા રાંચી ખાતે રમાયેલા અભ્યાસ સેશનમાં લોકલ બોય ઈશાન કિશન અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક બેટિંગથી ભારે પ્રભાવિત કર્યા છે. છોટાનાગપુર પઠારની લીલીછમ ટેકરીઓ વચ્ચે સ્થિત રાંચીમાં ગુલાબી ઠંડીના માહોલમાં ભારતીય ટીમે લગભગ બે કલાક સુધી સઘન અભ્યાસ કર્યો હતો.

ઝારખંડના કેપ્ટન અને JSCA સ્ટેડિયમથી ખૂબ સારી રીતે પરિચિત ઈશાન કિશને નેટ્સ પર સ્પિન બોલરો સામે આક્રમક શૉટ્સ ફટકારીને બોલને સ્ટેન્ડમાં પહોંચાડ્યો હતો. રવિ બિશ્નોઈ, નમન ધીર અને અભિષેક શર્માએ તેમને નેટ્સમાં બોલિંગ કરી હતી. કિશનની સાથે T20 વર્લ્ડ કપ વિજેતા સંજૂ સેમસને પણ બેટિંગ કરી, જેણે શરૂઆતમાં ધીરજ બતાવ્યા બાદ કેટલાક શ્રેષ્ઠ શૉટ્સ ફટકાર્યા હતા.

ઈશાન કિશન માટે તેના ઘરેલુ મેદાન પર રમાનારો આ મુકાબલો ખૂબ જ ખાસ છે. ગયા વર્ષે તેણે ઝારખંડને પ્રથમ વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું ટાઈટલ અપાવ્યું હતું, જેમાં હરિયાણા સામેની ફાઈનલમાં તેણે માત્ર 49 બોલમાં 101 રન બનાવ્યા હતા. વર્ષ 2023 ના અંતમાં શિસ્ત અને ઘરેલુ ક્રિકેટ વિવાદના કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ, કિશને ઘરેલુ ક્રિકેટ દ્વારા શાનદાર વાપસી કરી ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવ્યું છે.

નેટ સેશન દરમિયાન સૌથી વધુ આકર્ષણ 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ જમાવ્યું હતું. તેણે સતત મોટા શૉટ્સ ફટકારીને સ્ટેડિયમમાં હાજર પોલીસકર્મીઓ, દર્શકો અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. સહાયક કોચ સિતાંશુ કોટક ઈશાન કિશનની પરિપક્વતાની પ્રશંસા કરતા જણાવ્યું કે, કિશન હવે પરિસ્થિતિ મુજબ બેટિંગ કરે છે અને આશા છે કે ઘરેલુ મેદાન પર તે વધુ સારું પ્રદર્શન કરશે.

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ વૈકલ્પિક નેટ સેશનમાં ભાગ લેવા આવ્યા નહોતા. આ ઉપરાંત જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પ્રથમ મેચમાં સંઘર્ષ કરનાર ઝડપી બોલર મયંક યાદવને પણ આરામ આપવામાં આવ્યો હતો.