દિલ્હી કેપિટલ્સના આ સ્ટાર ખેલાડીનું કરિયર ખતમ? લગ્નની લાલચ અને ધમકી આપવાના મામલે પોલીસે કરી ધરપકડ!

દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલની બંગાળ પોલીસે ધરપકડ કરી છે. મેડિકલની ગર્લફ્રેન્ડ દ્વારા લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો આરોપ મૂકાયા બાદ હાઈકોર્ટના આદેશથી આ કાર્યવાહી કરાઈ છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 11 Aug 2026 06:06 PM (IST)Updated: Tue, 11 Aug 2026 06:06 PM (IST)
ipl-star-abhishek-porel-arrested-accused-of-rape-and-intimidation-under-the-pretext-of-marriage

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા અને બંગાળના જાણીતા વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. મેડિકલ સ્ટુડન્ટ સાથે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવા, મારપીટ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસ દ્વારા પોરેલની ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

કર્ણાટકની એક મેડિકલ વિદ્યાર્થીનીએ હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, તે અને અભિષેક પોરેલ છેલ્લા સાડા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. યુવતીનો આરોપ છે કે પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં સંબંધોમાં તિરાડ પડતાં તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને યુવતીને નજરકેદ રાખીને મારપીટ તથા માનસિક ત્રાસ આપ્યો હતો.

ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી ન કરતાં પીડિતાએ કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે કડક વલણ અપનાવીને પોલીસને પોરેલની ધરપકડ કરવા અને તેના તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ દમ દમ વિસ્તારમાં આવેલી ઈમામી સિટી ખાતેથી પોલીસે અભિષેક પોરેલની અટકાયત કરીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

ભારત A ટીમનો ભાગ

પોરેલ ભારતીય ક્રિકેટમાં એક જાણીતું નામ છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. વધુમાં, તે ભારત A માટે રમી ચૂક્યો છે અને ટીમ સાથે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કર્યો છે. તેણે 2021-22 સીઝનમાં બંગાળ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 32 મેચ રમી ચૂક્યો છે; તેણે 23 લિસ્ટ A મેચ પણ રમી છે.