IPL 2027 Trade: આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો ઉલટફેર! ઋષભ પંત અને કુલદિપ યાદવની થઈ ઐતિહાસિક અદલાબદલી

IPL 2027 હાઈ-પ્રોફાઈલ પ્લેયર ટ્રેડની જાહેરાત અનુસાર રિષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં ઘરવાપસી થઈ, જ્યારે કુલદીપ યાદવ લખનૌની ટીમમાં જોડાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 23 Jun 2026 02:49 PM (IST)Updated: Tue, 23 Jun 2026 02:49 PM (IST)
ipl-2027-trade-rishabh-pant-and-kuldeep-yadav-swap-deal-confirmed-between-dc-and-lsg

IPL 2027 Trade: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ-પ્રોફાઈલ પ્લેયર ટ્રેડની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેડ અંતર્ગત ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ રિષભ પંત અને કુલદીપ યાદવની ટીમો બદલાઈ છે.

લખનૌ સુપર જાયન્ટ્સના પૂર્વ કેપ્ટન રિષભ પંત હવે IPL 2027 માં ફરીથી દિલ્હી કેપિટલ્સના રંગમાં જોવા મળશે. જ્યારે દિલ્હીના મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ હવે લખનૌની ટીમમાં સામેલ થયા છે. IPLના ઇતિહાસમાં આ સૌથી નોંધપાત્ર ખેલાડી અદલાબદલી પૈકીની એક માનવામાં આવે છે.

રિષભ પંતની DC માં ઘરવાપસી

રિષભ પંત માટે આ ટ્રેડ દિલ્હી કેપિટલ્સમાં પરત ફરવા જેવો છે, જ્યાં તેણે 2016 થી 2024 વચ્ચે સતત 9 સીઝન વિતાવી હતી. રિષભ પંતે દિલ્હી માટે સૌથી વધુ 111 મેચ રમી છે, જે આ ફ્રેન્ચાઈઝીના કોઈપણ ખેલાડી દ્વારા કરવામાં આવેલ સૌથી વધુ મેચનો રેકોર્ડ છે. પંતે 2021 થી 2024 દરમિયાન 43 મેચોમાં ટીમની કપ્તાની પણ સંભાળી હતી.

ઉલ્લેખનીય છે કે, TATA IPL 2025 ના ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સે રિષભ પંતને 27 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો હતો, જે IPL ઈતિહાસની સૌથી ઉંચી વિજેતા બોલી હતી. હવે આ ટ્રેડ બાદ તે 15 કરોડની રિવાઈઝ્ડ ફી સાથે ફરીથી દિલ્હીની ટીમ સાથે જોડાયો છે.

કુલદીપ યાદવ હવે લખનૌના કેમ્પમાં

બીજી તરફ, ભારતનો પ્રીમિયર વ્હાઇટ-બોલ સ્પિનર કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ સાથેની સફળ મુસાફરી બાદ હવે લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. 2022 થી દિલ્હીની ટીમનો ભાગ રહેલા આ ડાબોડી સ્પિનરે 65 મેચોમાં 72 વિકેટ ઝડપીને ટુર્નામેન્ટના સૌથી અસરકારક વિકેટ ટેકિંગ બોલેરોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. કુલદીપ તેની હાલની 13.50 કરોડની ફી સાથે જ લખનૌની ટીમમાં સામેલ થશે.

23 જૂન 2026 ના રોજ કરવામાં આવેલી આ સત્તાવાર જાહેરાત મુજબ, રિષભ પંત અને કુલદીપ યાદવ એમ બંને ખેલાડીઓ હવે પોતપોતાની નવી ટીમો માટે રમવા સજ્જ છે. આ ફેરબદલ બાદ આગામી સીઝનમાં બંને ટીમની રણનીતિ અને પ્રદર્શન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.