IPL 2026 Points Table, Orange Cap & Purple Cap (May 21, 2026): બુધવારે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 4 વિકેટે પરાજય આપીને પ્લેઓફની રેસમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. સ્પિનર સુનીલ નારાયણની આગેવાની હેઠળ કઠિન પિચ પર શાનદાર બોલિંગ પ્રદર્શન અને ત્યારબાદ મનીષ પાંડેની ઉપયોગી ઇનિંગના દમ પર KKR એ આ અતિ મહત્વની જીત નોંધાવી છે.
મનીષ પાંડે-રોવમેન પોવેલની ભાગીદારી
મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરવાનો KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેનો નિર્ણય સાચો સાબિત થયો હતો. KKR ના બોલરોએ શાનદાર લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરીને પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 147/8 રન પર રોકી દીધી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKR ની શરૂઆત મુશ્કેલ રહી હતી અને યુવા વિકેટકીપર-બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી ઈજાગ્રસ્ત થતાં અનુભવી બેટ્સમેન મનીષ પાંડેને ત્રીજા ક્રમે બેટિંગ કરવાની તક મળી હતી. પાંડેએ જવાબદારીપૂર્વક રમતા 33 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે વિસ્ફોટક બેટ્સમેન રોવમેન પોવેલ (30 બોલમાં 40 રન, 4 ચોગ્ગા અને 2 છગ્ગા) સાથે મળીને 64 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીના જોરે કોલકાતાએ 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવી મેચ જીતી લીધી હતી.
KKR ની પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ
આ શાનદાર અને રોમાંચક જીત બાદ KKR 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાનેથી સીધા છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. KKR એ અત્યાર સુધી રમાયેલી 13 મેચોમાંથી 6 મેચમાં જીત મેળવી છે અને આ જીતથી તેમની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે.
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | પરિણામ નહીં | પોઇન્ટ્સ | NRR |
| 1 | RCB (Q) | 13 | 9 | 4 | 0 | 18 | 1.065 |
| 2 | GT (Q) | 13 | 8 | 5 | 0 | 16 | 0.4 |
| 3 | SRH (Q) | 13 | 8 | 5 | 0 | 16 | 0.35 |
| 4 | RR | 13 | 7 | 6 | 0 | 14 | 0.083 |
| 5 | PBKS | 13 | 6 | 6 | 1 | 13 | 0.227 |
| 6 | KKR | 13 | 6 | 6 | 1 | 13 | 0.011 |
| 7 | CSK | 13 | 6 | 7 | 0 | 12 | -0.016 |
| 8 | DC | 13 | 6 | 7 | 0 | 12 | -0.871 |
| 9 | MI (E) | 13 | 4 | 9 | 0 | 8 | -0.51 |
| 10 | LSG (E) | 13 | 4 | 9 | 0 | 8 | -0.702 |
KKR vs MI મેચ પછી ઓરેન્જ કેપ લિસ્ટ
KKR vs MI ની મેચ બાદ પણ ઓરેન્જ કેપ રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પાસે છે. તેણે 13 ઇનિંગ્સમાં 236.32 ના અદભુત સ્ટ્રાઇક રેટથી કુલ 579 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે.
- વૈભવ સૂર્યવંશી (RR): 13 મેચ, 579 રન
- મિશેલ માર્શ (LSG): 13 મેચ, 563 રન
- હેનરિક ક્લાસેન (SRH): 13 મેચ, 555 રન
- સાઈ સુદર્શન (GT): 13 મેચ, 554 રન
- શુભમન ગિલ (GT): 12 મેચ, 552 રન
KKR vs MI મેચ પછી પર્પલ કેપ લિસ્ટ
KKR vs MI ની મેચ બાદ પણ વિકેટ લેવાના મામલામાં પણ કોઈ બદલાવ જોવા મળ્યો નથી. ભુવનેશ્વર કુમાર હજુ પણ સૌથી વધુ વિકેટ સાથે આ યાદીમાં ટોચ પર છે, જ્યારે કાગીસો રબાડા બીજા ક્રમે યથાવત છે.
- ભુવનેશ્વર કુમાર (RCB): 13 મેચ, 24 વિકેટ
- કાગીસો રબાડા (GT): 13 મેચ, 21 વિકેટ
- અંશુલ કંબોજ (CSK): 13 મેચ, 20 વિકેટ
- જોફ્રા આર્ચર (RR): 13 મેચ, 18 વિકેટ
- કાર્તિક ત્યાગી (KKR): 13 મેચ, 18 વિકેટ
આજે GT vs CSK: આજે ચેન્નાઈ માટે 'કરો અથવા મરો' નો જંગ
આઈપીએલમાં ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મહાજંગ જામશે. જો ગુજરાત આ મેચ જીતવામાં સફળ રહેશે, તો તેઓ લીગ સ્ટેજમાં ટોપ 2 માં સ્થાન મેળવવાની નજીક પહોંચી જશે. બીજી તરફ, ચેન્નાઈ માટે આ મેચ 'કરો અથવા મરો' સમાન છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે CSK એ આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે, જોકે તેમનો આગળનો માર્ગ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેશે.
