IPL 2026 Points Table, Orange Cap & Purple Cap (May 19, 2026): ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની પ્લેઓફની રેસ હવે તેના રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. સોમવારે રમાયેલી રોમાંચક મેચમાં ઇશાન કિશનની શાનદાર બેટિંગના દમ પર સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 5 વિકેટે વિજય મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.
હૈદરાબાદની આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ પણ સત્તાવાર રીતે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. આ સાથે જ અંતિમ 4માં હવે માત્ર 1 સ્થાન બાકી રહ્યું છે, જેના માટે ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલ સમીકરણો
બીજી તરફ, 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ હજુ પણ જીવંત છે, પરંતુ તેમનો રસ્તો ઘણો કઠિન બની ગયો છે. CSK માટે હવે પછીની મેચ 'કરો કે મરો' સમાન રહેશે. આગામી ગુરૂવારે રમાનારી છેલ્લી લીગ મેચમાં ચેન્નાઈએ માત્ર ગુજરાત ટાઇટન્સને મોટા માર્જિનથી હરાવવું જ નહીં પડે, પરંતુ પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે અન્ય મેચોના પરિણામો પણ પોતાના પક્ષમાં આવે તેની રાહ જોવી પડશે.
CSK vs SRH મેચ પછી આઈપીએલ 2026 પોઈન્ટ ટેબલ
| ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | પરિણામ નહીં | પોઇન્ટ્સ | નેટ રન રેટ |
|---|---|---|---|---|---|---|---|
| 1 | RCB (Q) | 13 | 9 | 4 | 0 | 18 | +1.065 |
| 2 | GT (Q) | 13 | 8 | 5 | 0 | 16 | +0.400 |
| 3 | SRH (Q) | 13 | 8 | 5 | 0 | 16 | +0.350 |
| 4 | PBKS | 13 | 6 | 6 | 1 | 13 | +0.227 |
| 5 | RR | 12 | 6 | 6 | 0 | 12 | +0.027 |
| 6 | CSK | 13 | 6 | 7 | 0 | 12 | -0.016 |
| 7 | DC | 13 | 6 | 7 | 0 | 12 | -0.871 |
| 8 | KKR | 12 | 5 | 6 | 1 | 11 | -0.038 |
| 9 | MI (E) | 12 | 4 | 8 | 0 | 8 | -0.504 |
| 10 | LSG (E) | 12 | 4 | 8 | 0 | 8 | -0.701 |
CSK vs SRH મેચ પછી ઓરેન્જ કેપ લિસ્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેને ચેન્નાઈ સામે 26 બોલમાં 47 રનની તોફાની ઇનિંગ રમીને શુભમન ગિલ અને સાઈ સુદર્શનને પાછળ છોડી દીધા છે અને ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
- હેનરિક ક્લાસેન (SRH): 13 મેચ, 555 રન
- સાઈ સુદર્શન (GT): 13 મેચ, 554 રન
- શુભમન ગિલ (GT): 12 મેચ, 552 રન
- વિરાટ કોહલી (RCB): 13 મેચ, 542 રન
- કેએલ રાહુલ (DC): 13 મેચ, 533 રન
CSK vs SRH મેચ પછી પર્પલ કેપ લિસ્ટ
વિકેટ લેવાની રેસમાં ટોચના સ્થાનો પર કોઈ મોટો ફેરફાર થયો નથી. ભુવનેશ્વર કુમાર, કાગીસો રબાડા અને અંશુલ કંબોજ હજુ પણ ચાર્ટમાં મોખરે છે. કંબોજ આ મેચમાં માત્ર 1 વિકેટ ઝડપી શક્યો હતો, જેના કારણે નબળા ઈકોનોમી રેટને લીધે તેઓ યાદીમાં ત્રીજા સ્થાને છે.
- ભુવનેશ્વર કુમાર (RCB): 13 મેચ, 24 વિકેટ
- કાગીસો રબાડા (GT): 13 મેચ, 21 વિકેટ
- અંશુલ કંબોજ (CSK): 13 મેચ, 20 વિકેટ
- જોફ્રા આર્ચર (RR): 12 મેચ, 17 વિકેટ
- એશાન મલિંગા (SRH): 13 મેચ, 17 વિકેટ
આજે RR vs LSG: રાજસ્થાન રોયલ્સ માટે કપરા ચઢાણ
દિલ્હી કેપિટલ્સ સામે સતત 3જી હારનો સામનો કર્યા બાદ રાજસ્થાન રોયલ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ હારના કારણે રાજસ્થાન હવે અંતિમ પ્લેઓફ સ્પોટ માટે અન્ય 5 ટીમો સાથેની તીવ્ર સ્પર્ધામાં આવી ગયું છે. રાજસ્થાને જો પ્લેઓફની રેસમાં ક્વોલિફાય થવું હોય, તો તેમણે પોતાની બાકીની બંને લીગ મેચો જીતવી અનિવાર્ય છે. આ સફરની શરૂઆત મંગળવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાનારી તેમની હોમ ગ્રાઉન્ડ મેચથી થશે.
