Orange Cap, Purple Cap Holder in IPL 2026: IPL 2026ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સ (GT) ને 92 રનથી હાર આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ધર્મશાળા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB એ પ્લેઓફના ઇતિહાસનો સૌથી મોટો 254/4 નો સ્કોર નોંધાવ્યો હતો, જેના જવાબમાં ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ધમાકેદાર મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપના સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.
ઓરેન્જ કેપની રેસ: ટોપ-5 માં કોહલીની એન્ટ્રી, ગિલ-સુદર્શન મોખરે
આ પણ વાંચો
ગુજરાત સામેની મેચમાં માત્ર 25 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રન બનાવનાર આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓરેન્જ કેપની રેસમાં 5 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. કોહલી હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે વર્તમાન સિઝનની 15 મેચોમાં 50.00 ની એવરેજથી 600 રન પૂરા કર્યા છે અને તે આ સિઝનમાં 600 રનનો આંકડો પાર કરનાર ચોથો બેટ્સમેન બન્યો છે.
બીજી તરફ, ભલે આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ ફ્લોપ રહ્યા હોય, પરંતુ ઓરેન્જ કેપના લિસ્ટમાં સાઈ સુદર્શન (652 રન) પ્રથમ સ્થાને અને કેપ્ટન શુભમન ગિલ (618 રન) બીજા સ્થાને યથાવત છે.
પાટીદારની વિસ્ફોટક ઇનિંગ છતાં ટોપ-10 માં સ્થાન નહીં: RCB ના કેપ્ટન રજત પાટીદારે 33 બોલમાં 9 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 93 રનની અણનમ ઇનિંગ રમી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ ઇનિંગના દમ પર તે 7 સ્થાન ઉપર ચઢીને 14મા ક્રમે પહોંચ્યો છે, પરંતુ હજુ પણ ટોપ-10 માં સ્થાન મેળવવાથી વંચિત છે.
સૂર્યવંશીને ફટકો: રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા સ્થાને આવી ગયો છે. જોકે, હૈદરાબાદ સામેની આગામી એલિમિનેટર મેચમાં તેની પાસે ફરી ઉપર આવવાની તક રહેશે.
ક્વોલિફાયર-1 બાદ ઓરેન્જ કેપની સ્થિતિ (ટોપ 5 બેટ્સમેન)
- સાઈ સુદર્શન (GT): 15 મેચ, 652 રન
- શુભમન ગિલ (GT): 14 મેચ, 618 રન
- હેનરિક ક્લાસેન (SRH): 14 મેચ, 606 રન
- વિરાટ કોહલી (RCB): 15 મેચ, 600 રન
- કેએલ રાહુલ (DC): 14 મેચ, 593 રન
પર્પલ કેપની રેસ: ભુવનેશ્વર કુમાર ટોપ પર યથાવત
બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભુવનેશ્વરે 15 મેચમાં 26 વિકેટ ઝડપી છે. ગુજરાત ટાઇટન્સનો કાગીસો રબાડા પણ 26 વિકેટ સાથે બીજા ક્રમે છે, પરંતુ ઇકોનોમી રેટના આધારે ભુવનેશ્વર રેન્કિંગમાં મોખરે છે.
ક્વોલિફાયર-1 બાદ પર્પલ કેપની સ્થિતિ (ટોપ 5 બોલર્સ)
- ભુવનેશ્વર કુમાર (RCB): 15 મેચ, 26 વિકેટ
- કાગીસો રબાડા (GT): 15 મેચ, 26 વિકેટ
- જોફ્રા આર્ચર (RR): 14 મેચ, 21 વિકેટ
- અંશુલ કંબોજ (CSK): 14 મેચ, 21 વિકેટ
- રાશિદ ખાન (GT): 15 મેચ, 19 વિકેટ
હવે આગળ શું?
ક્વોલિફાયર 1 માં હાર બાદ પણ ગુજરાત ટાઇટન્સની સફર સમાપ્ત થઈ નથી. GT ની ટીમ 29 મેના રોજ બીજા ક્વોલિફાયર મુકાબલામાં રમશે, જ્યાં તેનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સામે થશે. આ મેચ જીતનારી ટીમ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલમાં RCB સામે ટાઇટલ માટે ટકરાશે.
