Prince Yadav Tristan Stubbs Video: ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આ મેચ માત્ર રન અને વિકેટ માટે જ નહીં, પરંતુ ખેલાડીઓ વચ્ચેની આક્રમકતા માટે પણ યાદ રાખવામાં આવશે. મેદાન પર લખનૌના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અને દિલ્હીના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે થયેલી ઉગ્ર શાબ્દિક અથડામણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે લખનૌના યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ શાનદાર લયમાં બોલિંગ કરી રહ્યા હતા. તેમણે દિલ્હીના ઓપનર પથુમ નિસાન્કા અને અનુભવી અક્ષર પટેલને આઉટ કરીને લખનૌને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. પાવરપ્લેમાં જ 4 વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હીની ટીમ દબાણમાં હતી અને ત્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર આવ્યા હતા.
🚨HEATED ARGUMENT B/W PRINCE YADAV & TRISTAN STUBBS🚨
— Sam (@Cricsam01) April 1, 2026
- IPL is peaking at Ekana Stadium 🔥
pic.twitter.com/furoMEDcqR
પ્રિન્સ યાદવે સ્ટબ્સ પર માનસિક દબાણ લાવવા માટે આક્રમક સ્લેજિંગ (શાબ્દિક હુમલો) કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન બંને ખેલાડીઓ એકબીજાની એકદમ નજીક આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેદાન પર વાતાવરણ તંગ બની ગયું હતું, જોકે અમ્પાયરો અને સાથી ખેલાડીઓના હસ્તક્ષેપ બાદ મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાના વીડિયો હવે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
લખનૌની નબળી બેટિંગ અને પ્રિન્સની બોલિંગ
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 141 રન જ બનાવી શકી હતી. આટલા ઓછા સ્કોરનો બચાવ કરવો બોલરો માટે પડકારજનક હતો. તેમ છતાં, પ્રિન્સ યાદવે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. તેણે 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જોકે, અન્ય બોલરો તરફથી પૂરતો સાથ ન મળતા લખનૌ આ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
દિલ્હીનો પલટવાર
142 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. પરંતુ મધ્યમ ક્રમમાં સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે બાજી સંભાળી લીધી હતી.
- સમીર રિઝવી: માત્ર 32 બોલમાં અણનમ 70 રનની તોફાની ઇનિંગ રમીને મેચનો પાસો પલટી નાખ્યો હતો.
- ટ્રિસ્ટન સ્ટબ્સ: બોલાચાલી બાદ વિચલિત થયા વગર સ્ટબ્સે 39 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ જોડીની શાનદાર ભાગીદારીને કારણે દિલ્હીએ માત્ર 17.1 ઓવરમાં જ 6 વિકેટથી જીત મેળવી લીધી હતી.
