VIDEO: રાજસ્થાન રોયલ્સના મેનેજર ડગઆઉટમાં ફોન વાપરતા ઝડપાયા, લલિત મોદીએ ઉઠાવ્યા સવાલ, BCCI એ શરૂ કરી તપાસ

આઈપીએલ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલી અને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર બેઠેલી રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યારે એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે.

By: Jagran GujaratiPublish Date: Mon, 13 Apr 2026 11:40 AM (IST)Updated: Mon, 13 Apr 2026 11:40 AM (IST)
ipl-2026-controversy-romi-bhinder-spotted-with-mobile-in-dugout-during-rr-vs-rcb-match-watch

Romi Bhinder Controversy, RR vs RCB IPL 2026: આઈપીએલ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહેલી અને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર બેઠેલી રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યારે એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચ દરમિયાન ટીમના મેનેજર રોમી ભીંડર ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.

નિયમોનું ઉલ્લંઘન અને લલિત મોદીની નારાજગી

આ ઘટના ત્યારે બની જ્યારે રાજસ્થાનનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આઉટ થઈને ડગઆઉટમાં બેઠો હતો અને કેમેરા તેનું ફૂટેજ બતાવી રહ્યો હતો. તે સમયે તેની બાજુમાં બેઠેલા મેનેજર રોમી ભીંડર ફોન પર કંઈક ટાઈપ કરતા જોવા મળ્યા હતા. આઈપીએલના નિયમો મુજબ, ડગઆઉટને PMOA (ખેલાડીઓ અને મેચ અધિકારીઓનો વિસ્તાર) માનવામાં આવે છે, જ્યાં કોઈ પણ સભ્ય મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી શકતું નથી. ટીમના સભ્યોએ સ્ટેડિયમ પહોંચતા જ પોતાના ફોન સિક્યુરિટી ઓફિસરને જમા કરાવવાના હોય છે. આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ આ વીડિયો શેર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે એન્ટી-કરપ્શન અધિકારીઓએ આની મંજૂરી કેવી રીતે આપી?

મેડિકલ ઈમરજન્સીનું પાસું આવ્યું સામે

જોકે, આ વિવાદમાં હવે એક ગંભીર મેડિકલ કારણ પણ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેનેજર રોમી ભીંડરની શારીરિક સ્થિતિ ઘણી નાજુક રહી છે. ભૂતકાળમાં તેમના બંને ફેફસાં ખરાબ થઈ જવાથી તેઓ નાગપુરની હોસ્પિટલમાં લગભગ 1 મહિનો વેટિલેટર પર રહ્યા હતા. તેમને અસ્થમાની ગંભીર બીમારી છે અને તેમનું વજન પણ 10 કિલો જેટલું ઘટી ગયું છે. ડોક્ટરોએ તેમને વધુ ચાલવાની કે સીડી ચઢવાની મનાઈ કરી હોવાથી મેડિકલ જરૂરિયાતના કારણે તેમણે ફોન પોતાની પાસે રાખ્યો હતો તેવો દાવો કરવામાં આવ્યો છે.

BCCI ની તપાસ અને નોટિસ

BCCI ની એન્ટી-કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) એ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને મેનેજર રોમી ભીંડરને નોટિસ પાઠવી છે. મેનેજર પર આરોપ છે કે તેઓ માત્ર ફોન પાસે રાખી નહોતા રહ્યા પરંતુ તેનો ઉપયોગ પણ કરી રહ્યા હતા. હવે મેનેજરે આ નોટિસનો જવાબ આપવાનો રહેશે અને એસીએસયુ અધિકારીઓ સામે પોતાનો પક્ષ રજૂ કરવો પડશે. આ તપાસના અંતે જ નક્કી થશે કે મેડિકલ કારણોસર તેમને રાહત મળશે કે પછી આઈપીએલના કડક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.