IPL 2026 Auction: વર્તમાન સમયમાં T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ સ્પિન ઓલરાઉન્ડરોમાંના એક ગણાતા શ્રીલંકાના વાનિન્દુ હસરંગાને (Wanindu Hasaranga) IPL 2026ની હરાજીમાં ઘણા પૈસા મળવાની અપેક્ષા હતી. હસરંગા માત્ર તેના અસરકારક સ્પિન માટે જ નહીં પરંતુ નીચલા ક્રમના ફિનિશર તરીકે રમવાની ક્ષમતા માટે પણ ચર્ચામાં હતા. આ સિઝનમાં તે લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે.
ગયા સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર હસરંગાને ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યો ન હતો. તે 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે આવ્યો હતો અને તે જ કિંમતે લખનૌ ગયો હતો.
આવી રહી હતી તેની IPL કારકિર્દી
હસરંગાએ પોતાની ઘાતક બોલિંગ અને ઉપયોગી બેટિંગના કારણે IPLમાં ઝડપથી નામના મેળવી. તેણે 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલી સિઝનમાં બે મેચ રમ્યો હતો, પરંતુ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.
2022ની સિઝન હસરંગા માટે યાદગાર રહી, જ્યાં તેણે 16 મેચમાં 26 વિકેટ લીધી અને પર્પલ કેપ જીતી. તેની લેગ-સ્પિન અને ગુગલી વચ્ચેની ઓવરોમાં બેટ્સમેન સામે મુખ્ય હથિયાર સાબિત થઈ.
2023માં વાનિન્દુ હસરંગા પણ RCB માટે રમ્યા હતા, પરંતુ ઈજા અને ફિટનેસ સમસ્યાઓના કારણે તે સિઝનમાં ઘણી મેચો ચૂકી ગયો હતો. આમ છતાં તેણે રમેલી મેચોમાં મહત્વપૂર્ણ ક્ષણોમાં વિકેટો લઈને પોતાની યોગ્યતા સાબિત કરી. 2023માં તેણે આઠ મેચોમાં નવ વિકેટ લીધી અને ઘણાં મુખ્ય બેટ્સમેનોને આઉટ કર્યા. જોકે આ સિઝન તેમના 2022ના પ્રદર્શન જેટલી પ્રભાવશાળી નહોતી, પરંતુ તેમની બોલિંગની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. તે 2024માં IPL માં દેખાયો ન હતો.
RCB એ રિલીઝ કર્યો હતો
ગત સિઝનમાં તેને RCB દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને હસ્તગત કરવામાં આવ્યો હતો. તેણે રાજસ્થાન માટે 11 મેચોમાં એટલી જ વિકેટ લીધી હતી. અત્યાર સુધીમાં તેણે 37 IPL મેચ રમી છે અને 46 વિકેટ લીધી છે.
