મુંબઈ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની ચોથી મેચમાં રાજસ્થાન રૉયલ્સના બૉલર્સ યુઝવેન્દ્ર ચહલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચહલે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં પોતાના T-20 કરિયરમાં 300 વિકેટ પૂરી કરી લીધી છે. આ આંકડા સુધી પહોંચનાર ચહલ ભારતનો પ્રથમ બૉલર બની ગયો છે.
આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ T-20 ક્રિકેટ ફોર્મેટમાં 300 વિકેટ ઝડપનાર વિશ્વનો 16મો બૉલર બની ગયો છે. આટલું જ નહીં, આ સિદ્ધિ હાંસલ કરનાર ચહલ 8મો સ્પિનર પણ બની ગયો છે.
રાજસ્થાન રૉયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલની સાથે જ રમી રહેલ રવિચંદ્રન અશ્વિન 288 વિકેટ ઝડપવા સાથે સૌથી વધુ વિકેટ મેળવવા માટે બીજો ભારતીય છે. જ્યારે લેગ સ્પિનર પિયૂષ ચાવલા T-20 ફૉર્મેટમાં 276 વિકેટ ઝડપવા સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
હવે ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિન બૉલર બની ગયો છે, જેની અત્યાર સુધીમાં 170 વિકેટ થઈ ગઈ છે. ચહલે અમિત મિશ્રા (166 વિકેટ) પાછળ છોડી દીધો છે.
આ સાથે જ IPLના ઈતિહાસમાં ડ્વેન બ્રાવો (181) બાદ સંયુક્ત રૂપે બીજો સૌથી વધુ વિકેટ ઝડપનાર બૉલર બની ગયો છે. ચહલે લશિત મલિંગાના 170 વિકેટની બરાબરી કરી છે.
જો આજની વાત કરીએ તો, યુઝવેન્દ્ર ચહલે પોતાની 4 ઑવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી છે. ચહલે બ્રૂક, મયંક અગ્રવાલ, આદિલ રાશિદ અને ભુવનેશ્વરકુમારને પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલે IPLમાં પાંચમી વખત કોઈ એક મેચમાં 4 વિકેટ ઝડપી છે. જ્યારે ગત સિઝનમાં યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ 27 વિકેટ ઝડપી હતી.