SRH vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની ચોથી મેચમાં રવિવારે રાજસ્થાન રૉયલ્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 72 રને હરાવીને વિજયી શરૂઆત કરી છે.
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. RR ટીમ તરફથી કેપ્ટન સંજૂ સેમસને સૌથી વધુ 55 (32 બૉલમાં) રન ફટકાર્યા હતા. આ સિવાય બટલરે 22 બૉલમાં 54 રન અને યશસ્વી જયસ્વાલે 37 બૉલમાં 54 રન બનાવ્યા હતા.
જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ વતી ફઝલહક ફારૂકી અને ટી નટરાજને 2-2 તેમજ ઉમરાન મલિકે 1 વિકેટ ઝડપી હતી.
204 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત જ નબળી રહી હતી. ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઑવરના ત્રીજા બૉલ પર અભિષેક શર્મા (0) અને પાંચમા બૉલ પર રાહુલ ત્રિપાઠી (0) પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. મીડલ ઑર્ડરમાં પણ હૈરી બ્રુક (13), વૉશિંગ્ટન સુંદર (1), ગ્લેન ફિલિપ્સ (8), મયંક અગ્રવાલ (27) રન જ કરી શક્યા. અંતમાં સમદે 32 બૉલમાં 32 રન બનાવીને થોડો સંઘર્ષ જરૂર કર્યો, પરંતુ તે પોતાની ટીમને જીત ના અપાવી શક્યો.
રાજસ્થાન રૉયલ્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટ (2/21) તેમજ યુઝવેન્દ્ર ચહલે 4 ઑવરમાં 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિન અને જેસન હોલ્ડર 1-1 વિકેટ ઝડપી શક્યા હતા.