RCB vs CSK, IPL 2023: IPL 2023ની 24મી મેચ RCB અને CSK વચ્ચે બેંગ્લોરના ચીન્નસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું. જેમાં ઈનિંગની છેલ્લી ઓવર હર્ષલ પટેલ નાંખી રહ્યો હતો પરંતુ તેની એક ભૂલના કારણે તેને બોલિંગ કરતા રોકવામાં આવ્યો હતો અને તેના બદલે બાકીના બોલ નાખવા મેક્સવેલને બોલાવવામાં આવ્યો હતો.
ક્યા કારણોસર બોલિંગ પરથી હટાવવામાં આવ્યો?
બન્યું એવું કે ચેન્નઈ વિરુદ્ધ છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલે 2 બીમર બોલ ફેંક્યા. બીમર બોલ એટલે કે કમર ઉપર ફૂલટોસ બોલ. ઓવરના પહેલા બોલમાં હર્ષલ પટેલે જાડેજાને ફૂલટોસ નાંખ્યો, જેમાં જાડેજાએ એક રન લીધો. આ પછી હર્ષલે નો બોલ ફેંક્યો અને મોઈન અલીએ દોડીને એક રન લીધો. તે પછીના બોલ પર લેગબાઈનો રન આવ્યો. હર્ષલે ફરીથી નો બોલ ફેંક્યો. આ બંને નો બોલ કમરની ઉંચાઈથી ઉપર હતી. તેવામાં અમ્પાયરે તેને બોલિંગમાંથી હટાવી દીધો અને સ્પેલ દરમિયાન કમરની ઉંચાઈથી 2 બોલ નાંખો છો તો એમ્પાયર તેને બોલિંગ પરથી હટાવી શકે છે.
હર્ષલની ઓવરના બાકી ત્રણ બોલ નાખવા મેક્સવેલ આવ્યો. મેક્સવેલના પહેલા બોલ પર જાડેજાએ છગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર જાડેજા આઉટ થયો અને છેલ્લા બોલે ધોની રમવા આવ્યો અને તે માત્ર એક રન કરી શક્યો.
મેચમાં શું થયું?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને IPL 2023ના એક રામાંચક મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 8 રનથી હરાવી દીધું છે. બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં CSKએ RCBને જીતવા માટે 227 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેઓ ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ છતા ટાર્ગેટ સુધી પહોંચી શક્યા ન હતા. મેક્સવેલે 76 અને ડુ પ્લેસિસે 62 રનની ઈનિંગ રમી.
CSK આ જીતની સાથે જ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે આવી ગઈ છે. ચેન્નાઈ સુપરકિંગ્સે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને બે મેચમાં હાર મળી છે. તો RCB પાંચમાંથી બે મેચ જીતીને સાતમા નંબરે કાયમ છે. પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે રાજસ્થાન રોયલ્સ છે જેને પાંચમાંથી ચારમાં જીત મેળવી છે.