અમદાવાદ.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની પ્રથમ મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમને મોટો ફટકો પડ્યો છે. જેમાં ન્યૂઝીલેન્ટનો બેટ્સમેન કેન વિલિયમસન ઈજાગ્રસ્ત થતા સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જે બાદ વિલિયમસનના વિકલ્પ તરીકે ગુજરાત ટાઈટન્સની ટીમમાં કોની એન્ટ્રી થશે?- તેને લઈને અટકળો થઈ રહી છે. જો કે વિલિયમસનને રિપ્લેસ કરવા માટે 3 નામો રેસમાં સામેલ છે. જે પૈકી સ્ટીવ સ્મિથ સૌથી આગળ છે. તો ચાલો જાણીએ વિલિયમસનના વિકલ્પ તરીકે કોણ-કોણ રેસમાં સામેલ છે?
સ્ટીવ સ્મિથ
ઑસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ખૂબ જ અનુભવી ખેલાડી છે. ગુજરાત ટાઈટન્સની ઈનિંગ્સ દરમિયાન મધ્યમ હરોળમાં સ્ટીવ સ્મિથ ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્મિથ પાસે કેપ્ટનશિપનો પણ બહોળો અનુભવ છે. આથી તે હાર્દિક પંડ્યા માટે સારો સલાહકાર પણ સાબિત થઈ શકે છે. આજ કારણ છે કે, સ્મિથને વિલિયમસનના રિપ્લેશમેન્ટ તરીકે એકદમ યોગ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.
ટ્રેવિસ હેડ
ઑસ્ટ્રેલિયાના આધારભૂત બેટ્સમેન ટ્રેવિસ હેડ હાલ પોતાની કરિયરના શાનદાર ફૉર્મમાં છે. હેડ ઑપનિંગ કરવાની સાથે-સાથે જરૂર પડે વચ્ચેની ઑવરોમાં પણ બેટિંગ કરી શકવા સક્ષમ છે. કાંગારૂ બેટ્સમેન પાસે મોટા શૉટ્સ ફટકારવાની ક્ષમતા પણ છે અને તે પોતાના જોરે મેચનું પરિણામ બદલી શકવા સમર્થ છે. હેડનું પ્રદર્શન તાજેતરમાં ભારત વિરુદ્ધ રમાયેલી વન-ડે સિરીઝીમાં ઉમદા રહ્યું હતુ.
દાસુન શનાકા
શ્રીલંકન ટીમના કેપ્ટન દાસુન શનાકા કેન વિલિયમસનના રિપ્લેશમેન્ટ તરીકે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. શનાકા બેટિંગ અને બૉલિંગ બન્નેમાં કમાલ કરી શકે છે. આ સાથે જ તે મેચ ફિનિશરની ભૂમિકા પણ બખૂબી ભજવી શકે છે. છેલ્લા 1 વર્ષમાં T-20 ક્રિકેટ ફૉર્મેટમાં શનાકાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.