WTC Points Table: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. આ પરિણામ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની પોઇન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ માટે ફાઇનલની રેસ વધુ મુશ્કેલ બની ગઈ છે. મેચમાં સતત દબદબો જાળવી રાખવા છતાં શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ વિજય નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.
સોનલ દિનુશા ટીમ ઈન્ડિયા માટે દીવાલ બન્યો
કોલંબો ટેસ્ટના ચોથા દિવસે ભારત ક્લીન સ્વીપની ખૂબ જ નજીક દેખાઈ રહ્યું હતું. પહેલી ટેસ્ટમાં ભારતે 165 રનથી શાનદાર જીત મેળવી હતી અને બીજી ટેસ્ટમાં પણ શ્રીલંકાને ફોલોઓન આપ્યું હતું.
જોકે, શ્રીલંકન બેટ્સમેન સોનલ દિનુશાએ ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. તેણે બંને ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારીને ભારતીય બોલરો સામે મક્કમ પ્રતિકાર કર્યો હતો, જેના કારણે સમયસર શ્રીલંકા ઓલઆઉટ ન થઈ શક્યું અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.
WTC પોઇન્ટ્સ ટેબલમાં કઈ ટીમ કયા સ્થાને?
ઓસ્ટ્રેલિયાએ મેકે ખાતે રમાયેલી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે જીત મેળવીને પોઇન્ટ્સ પર્સન્ટેજ (PCT) 80.00 સાથે પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે.
દક્ષિણ આફ્રિકા: વર્તમાન ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા 4 માંથી 3 મેચ જીતીને 75.00 PCT સાથે બીજા ક્રમે છે.
ન્યૂઝીલેન્ડ: 6 માંથી 4 મેચ જીતીને 72.22 PCT સાથે ત્રીજા સ્થાન પર છે.
બાંગ્લાદેશ: ઓસ્ટ્રેલિયા સામેની હાર છતાં 55.56 PCT સાથે ચોથા ક્રમે છે.
ભારત: શ્રીલંકા સામે ટેસ્ટ ડ્રો થવાના કારણે ભારતને ભારે નુકસાન થયું છે અને તે 51.52 PCT સાથે 5મા સ્થાન પર અટવાયું છે.
શ્રીલંકા: 6 મેચમાં 1 જીત સાથે શ્રીલંકા 33.33 PCT ધરાવી 6ઠ્ઠા નંબરે છે.
WTC 2025-27 લેટેસ્ટ પોઇન્ટ્સ ટેબલ
| ટીમ | રમેલી મેચ | જીત | હાર | ડ્રો | PCT (%) |
| ઓસ્ટ્રેલિયા | 10 | 8 | 2 | 0 | 80 |
| સાઉથ આફ્રિકા | 4 | 3 | 1 | 0 | 75 |
| ન્યૂઝીલેન્ડ | 6 | 4 | 1 | 1 | 72.22 |
| બાંગ્લાદેશ | 6 | 3 | 3 | 0 | 55.56 |
| ભારત | 11 | 5 | 4 | 2 | 51.52 |
| શ્રીલંકા | 6 | 1 | 4 | 1 | 33.33 |
| ઇંગ્લેન્ડ | 14 | 5 | 8 | 1 | 29.76 |
| વેસ્ટ ઈન્ડિઝ | 12 | 2 | 8 | 2 | 20.83 |
| પાકિસ્તાન | 7 | 2 | 5 | 0 | 19.05 |
ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની હાલત કફોડી
ઇંગ્લેન્ડની ટીમે સૌથી વધુ 14 મેચો રમી છે પરંતુ સ્લો ઓવર-રેટના કારણે 14 પોઇન્ટ્સ કપાવાના લીધે તે 29.76 PCT સાથે 7મા સ્થાને ફેંકાઈ ગયું છે. બીજી તરફ, હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ સામે ઇનિંગ્સ અને 103 રનથી શરમજનક હાર બાદ પાકિસ્તાન 19.05 PCT સાથે ટેબલમાં સૌથી છેલ્લે (9મા સ્થાને) પહોંચી ગયું છે, જે વેસ્ટ ઈન્ડિઝથી પણ પાછળ છે.
