Hardik Pandya: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પાંચમી અને નિર્ણાયક T20 મેચમાં હાર્દિક પંડ્યાએ માત્ર પોતાની વિસ્ફોટક બેટિંગથી જ નહીં, પરંતુ મેદાન પરના ઉમદા વર્તનથી પણ ચાહકોના દિલ જીતી લીધા છે. મેચ દરમિયાન હાર્દિકના એક પાવરફુલ શોર્ટથી એક કેમેરામેન ઘાયલ થયો હતો, પરંતુ મેચ બાદ હાર્દિકે જે રીતે કેમેરામેનની સંભાળ લીધી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાના વિસ્ફોટક છક્કાથી કેમેરામેન ઘાયલ
ભારતીય ઇનિંગ દરમિયાન હાર્દિક પંડ્યા આક્રમક મૂડમાં હતો. મેચમાં તેણે કોર્બિન બોશની ઓવરમાં ક્રીઝની બહાર નીકળીને મિડ-ઓફ તરફ એક ફ્લેટ સિક્સર ફટકારી હતી. આ શોટ એટલો ઝડપી હતો કે બોલ સીધો ડગઆઉટ પાસે ઉભેલા એક કેમેરામેનને જઈને વાગ્યો હતો. આ ઘટનાથી ડગઆઉટમાં બેઠેલા ભારતીય ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કેમેરામેનને ઈજા થતાં મેચને થોડી મિનિટો માટે અટકાવી દેવી પડી હતી અને મેડિકલ સ્ટાફે તાત્કાલિક સારવાર આપી હતી. જોકે, સદનસીબે કેમેરામેન સ્વસ્થ થઈને ફરી ફરજ પર પરત ફર્યો હતો.
ઈનિંગ પૂરી થતાં જ હાર્દિકે કેમેરામેનની માફી માગી
ટીમ ઈન્ડિયાની 20 ઓવર પૂરી થયા બાદ પેવેલિયન પરત ફરતી વખતે હાર્દિક પંડ્યા તુરંત જ તે ઘાયલ કેમેરામેન પાસે પહોંચ્યો હતો. તેણે કેમેરામેનને ગળે લગાવીને તેની ખબર-અંતર પૂછી હતી. એટલું જ નહીં, હાર્દિક કેમેરામેનના ખભા પર જ્યાં બોલ વાગ્યો હતો ત્યાં આઈસ-પેક લગાવતો પણ જોવા મળ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલા હાર્દિકની આ સંવેદનશીલતાએ ક્રિકેટ જગતમાં ભારે પ્રશંસા મેળવી છે.
હાર્દિકે માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી
આ મેચમાં હાર્દિકનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું હતું. તેણે માત્ર 16 બોલમાં અડધી સદી પૂરી કરી હતી, જે ભારતીય બેટ્સમેન દ્વારા T20 ઈન્ટરનેશનલમાં બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. તેણે 25 બોલમાં 63 રનની તોફાની ઇનિંગ રમી હતી. હાર્દિક અને તિલક વર્મા વચ્ચે માત્ર 45 બોલમાં 105 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેમાં વર્માએ 73 રનનું યોગદાન આપ્યું હતું. આ ભાગીદારીના કારણે ભારતે 231 રનનો જંગી સ્કોર ખડક્યો હતો અને મેચમાં 30 રને શાનદાર વિજય મેળવ્યો હતો.
