India vs South Africa Highlights: ગુવાહાટીમાં ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ સમાપ્ત થઈ ગયો છે. બીજા દિવસનો ખેલ પૂરો થવા સુધીમાં ભારતે સાઉથ આફ્રિકાના 489 રનના વિશાળ સ્કોર સામે વિના વિકેટે 9 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 7 રન અને કેએલ રાહુલ 2 રન બનાવીને અણનમ રહ્યા હતા.
સાઉથ આફ્રિકા 489 રન પર ઓલઆઉટ
સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને 489 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 6 વિકેટે 247 રન હતો. બીજા દિવસે તેમના છેલ્લા ચાર બેટ્સમેનોએ મળીને 242 રન જોડ્યા હતા. સેનુરન મુથુસામીએ પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારતા 109 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જોકે, માર્કો યેન્સન સદીથી ચૂકી ગયા અને 93 રન પર આઉટ થયા હતા. લંચ સુધીમાં સાઉથ આફ્રિકાએ 428 રન બનાવ્યા હતા અને માત્ર સાત વિકેટ ગુમાવી હતી.
રાહુલ-જાયસ્વાલની જોડી ક્રીઝ પર
સાઉથ આફ્રિકાને 489 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સની શરૂઆત કરી. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની જોડી ક્રીઝ પર હતી. બીજા દિવસનો ખેલ સમાપ્ત થવા માટે જ્યારે લગભગ અડધો કલાક બાકી હતો, ત્યારે બંને બેટ્સમેનોએ વિકેટ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભારતે 6.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 9 રન બનાવ્યા અને બંને અણનમ પરત ફર્યા હતા.
કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી
ભારતીય બોલરોમાં કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહે સાયમન હાર્મરને આઉટ કરીને ભારતને 9મી સફળતા અપાવી હતી, જે તેમની આ ઇનિંગ્સની બીજી વિકેટ હતી. કુલદીપ યાદવે માર્કો યેન્સનને 93 રનના સ્કોર પર બોલ્ડ કરીને સાઉથ આફ્રિકાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.
બીજા સત્રમાં ભારતને સફળતા
બીજા સત્રમાં ભારતને આખરે દિવસની પ્રથમ સફળતા મળી. રવિન્દ્ર જાડેજાએ કાઇલ વેરેનીને સ્ટમ્પ આઉટ કરાવ્યો. વિકેટકીપર ઋષભ પંતે શાનદાર સ્ટમ્પિંગ કર્યું. આઉટ થતા પહેલા વેરેનીએ 122 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. બીજા સત્રનો અડધો ખેલ પૂર્ણ થયો ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 360નો સ્કોર પાર કર્યો હતો. સેનુરાન મુથુસામીએ 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 192 બોલમાં પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી.
પ્રથમ દિવસના મેચની સ્થિતિ
ગુવાહાટી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ સારી અને બેટિંગ કરી હતી. તેમણે 81.5 ઓવરમાં ટીમ ઇન્ડિયા સામે 247 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 6 જ વિકેટ મળી હતી. પ્રથમ દિવસે કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.
