T20 WC Final: ટીમ ઇન્ડિયાની નજર 'ટાઇટલ હેટ્રિક' પર, આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે મહાજંગ

ICC T20 World Cup 2026 Final આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ટ્રોફી જીતવાનો ઈતિહાસ રચવા મેદાને ઉતરશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 08 Mar 2026 09:21 AM (IST)Updated: Sun, 08 Mar 2026 09:21 AM (IST)
india-vs-new-zealand-t20-world-cup-2026-final-narendra-modi-stadium-ahmedabad

India vs New Zealand Final: ક્રિકેટ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ICC Men's T20 World Cup 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. આજે રવિવારે સાંજે 7:00 વાગ્યે અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખિતાબી જંગ ખેલાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્રીજી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચવા મેદાને ઉતરશે.

અમદાવાદમાં જૂની યાદો અને નવો ઉત્સાહ

ભારતીય ચાહકો માટે આ મેદાન મિશ્ર લાગણીઓ ધરાવે છે. 19 નવેમ્બર, 2023 ના રોજ આ જ મેદાન પર વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો, જેનાથી કરોડો ભારતીયોના દિલ તૂટ્યા હતા. જોકે, 2024 માં T20 વર્લ્ડ કપ જીતીને ભારતે એ જખમ પર મલમ લગાવ્યો હતો. હવે ફરી એકવાર આ મેદાન પર ભારત પાસે પોતાની બાદશાહત સાબિત કરવાની સુવર્ણ તક છે.

ટીમ ઇન્ડિયાના મજબૂત અને નબળા પાસા

ભારત માટે સૌથી મોટું હથિયાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાબિત થઈ શકે છે. તેની અસરકારક બોલિંગ અને વિકેટ લેવાની ક્ષમતા મેચનું પરિણામ બદલી શકે છે. બીજી તરફ, યુવા ઓપનર અભિષેક શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે. ન્યુઝીલેન્ડ તેની નબળાઈનો ફાયદો ઉઠાવવા ઓફ-સ્પિનર કોલ મેકકોન્ચીને પાવરપ્લેમાં ઉતારી શકે છે.

ટીમ ઈન્ડિયામાં સંભવિત ફેરફાર

સ્પિન વિભાગમાં વરુણ ચક્રવર્તી છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહ્યો હોવાથી, ફાઇનલ જેવી મહત્વની મેચમાં અનુભવી ચાઈનામેન બોલર કુલદીપ યાદવને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે.

ન્યુઝીલેન્ડનો પડકાર

ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ક્યારેય T20 વર્લ્ડ કપ જીતી શકી નથી, તેથી તેઓ પ્રથમ ટાઇટલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કેપ્ટન મિશેલ સેન્ટનર, આક્રમક બેટ્સમેન ફિન એલન અને ગ્લેન ફિલિપ્સ જેવા ખેલાડીઓ ભારત માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

બંને ટીમોની સ્ક્વોડ પર એક નજર

ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર.

ન્યૂઝીલેન્ડ ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, કોલ મેકકોન્ચી, કાયલ જેમીસન, જેકબ ડફી, ડેવોન કોનવે, જીમી નીશમ, ઇશ સોઢી.