India vs Australia Highlights: ભારતીય ક્રિકેટ ટીમને ગુરુવારે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાના હાથે બીજી વનડે મેચમાં 2 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે 17 વર્ષ પછી એડિલેડમાં વનડે મેચ ગુમાવી દીધી છે, જેના કારણે ભારતનો 17 વર્ષનો અભેદ કિલ્લો તૂટી ગયો છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાએ આ હાર સાથે જ ત્રણ મેચોની શ્રેણી 0-2 થી ગુમાવી દીધી છે.
ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 22 બોલ બાકી હતા ત્યારે બે વિકેટે મેચ પોતાના નામે કરી લીધી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે શનિવારે રમાશે. આ કારમી હાર માટે 'મેન ઇન બ્લુ' (ભારતીય ટીમ)ના 4 ખેલાડીઓને મુખ્ય જવાબદાર માનવામાં આવે છે.
હારના ચાર મુખ્ય ખેલાડીઓ
વિરાટ કોહલી
અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સતત બીજી વનડેમાં ખાતું ખોલાવ્યા વિના (ડક પર) આઉટ થયો. તેની ઇનિંગ્સ માત્ર ચોથા બોલ પર જ સમાપ્ત થઈ ગઈ હતી. ઝેવિયર બાર્લેટે કોહલીને LBW આઉટ કર્યો હતો. કોહલીના ખરાબ ફોર્મને કારણે તેના કરિયર પર પણ સસ્પેન્સ ઘેરું થયું છે. એવું માનવામાં આવે છે કે કોહલી 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવા માંગે છે, પરંતુ ખરાબ ફોર્મને કારણે તેમને નિવૃત્તિ જાહેર કરવી પડી શકે છે.
શુભમન ગિલ (કેપ્ટન)
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું. તે માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઝેવિયર બાર્લેટે ગિલ અને કોહલી બંનેને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. ટીમ ગિલ પાસેથી સારી શરૂઆતની અપેક્ષા રાખતી હતી, પરંતુ કેપ્ટન પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા. બેટિંગ ઉપરાંત, કપ્તાનીમાં પણ તે થોડો નબળો દેખાયો.
કેએલ રાહુલ
અનુભવી કેએલ રાહુલ પાસેથી અપેક્ષા રાખતી હતી કે તે શ્રેયસ અય્યરને સાથ આપીને ટીમને મોટો સ્કોર અપાવે, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહ્યો. તે 15 બોલમાં માત્ર 11 રન બનાવી શક્યો અને એડમ ઝમ્પાનો શિકાર બન્યો. એડમ ઝમ્પાએ કેએલ રાહુલને ક્લીન બોલ્ડ કર્યો હતો.
નીતિશ કુમાર રેડ્ડી
આક્રમક બેટિંગ માટે ઓળખાતા નીતિશ કુમાર રેડ્ડી બીજી વનડેમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા. રેડ્ડી પાસે ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવાની સુવર્ણ તક હતી, પરંતુ તે જરા પણ કમાલ કરી શક્યો નહીં. રેડ્ડીએ 10 બોલમાં 8 રન બનાવ્યા. તે ઝમ્પાની બોલિંગ પર સ્ટમ્પ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
