IND vs WI 1st T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T-20 સીરીઝની પહેલી મેચ કેરેબિયન ટીમે 4 રનથી પોતાના નામે કરી છે. આ જીતની સાથે જ વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 6 વિકેટે 149 રન કર્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી અને ચાર રનથી મેચ હારી ગયું. તિલક વર્માને છોડીને ભારતનો એક પણ બેટ્સમેન આશા મુજબ પ્રદર્શન ન કરી શક્યો અને ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો.
આ ભારતની 200મી મેચ હતી અને ટીમ ઈન્ડિયા આવું કરનારી બીજી ટીમ છે. ભારત પહેલા પાકિસ્તાનની ટીમ 200થી વધુ T-20 મેચ રમી ચુકી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમન પોવેલે 48 અને નિકોલસ પૂરને 41 રન બનાવ્યા. બોલની સાથે એબોડ મેકોય, જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડે 2-2 વિકેટ લીધી. ભારત તરફથી સૌથી વધુ 39 રન તિલક વર્માએ કર્યા. અર્શદીપ સિંહ અને યુજવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી.
West Indies win the first #WIvIND T20I.#TeamIndia will look to bounce back in the second T20I in Guyana. ? ?
— BCCI (@BCCI) August 3, 2023
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP pic.twitter.com/b36y5bevoO
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગમાં શું થયું
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે શાનદાર શરુઆત કરી. બ્રેન્ડન કિંગે પહેલી ઓવરથી મોટા શોટ રમવાનું શરુ કર્યું અને શરુઆતની બે ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 20 રનની પાર થઈ ગયો હતો. જો કે બીજી બાજુ કાઈલ મેયર્સ લયમાં ન હતો. કેપ્ટન હાર્દિકે પાંચમી ઓવર ચહલને આપી અને ચહલે મેયર્સને આઉટ કર્યો. જે બાદ ચહલે કિંગને પણ પેવેલિયન પરત મોકલ્યો. કિંગે 19 બોલમાં 28 રન કર્યા. એક જ ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ દબાણમાં આવી ગઈ.
ચોથા નંબરે આવેલા પૂરને ચોગ્ગો ફટકારીને શરુઆત કરી અને મેચમાં ટીમને બનાવી રાખી પરંતુ ચાર્લ્સ મોટો શોટ રમવા જતા કુલદીપનો શિકાર બન્યો. તિલક વર્માએ શાનદાર કેચ પકડીને તેણે પેવેલિયન પરત મોકલ્યો. ચાર્લ્સે છ બોલમાં 3 ત્રણ રન કર્યા. જે બાદ કેપ્ટન રોવમન પૉવેલે પૂરનની સાથે મળીને ચોથી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી. જે બાદ પૂરન હાર્દિક પંડયાનો શિકાર બન્યો. પૂરને 34 બોલમાં 41 રન કર્યા. પૂરન પછી હેટમાયરે પણ મોટો શોટ રમવા જતા આઉટ થયો, તેણે 12 બોલમાં 10 રન કર્યા. અંતે કેપ્ટન પૉવેલ પણ 32 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો. અર્શદીપે તેણે સૂર્યકુમાર યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો. અંતે વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 149 રન જ બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહ અને યુજવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી. કુલદીપ યાદવ અને હાર્દિક પંડયાને એક-એક સફળતા મળી.
ભારતની ઈનિંગ
150 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમની શરુઆત કંઈ ખાસ ન રહી. પાંચ રનના સ્કોર પર ટીમની પહેલી વિકેટ પડી. શુભમન ગિલે 9 બોલમાં માત્ર 3 રન બનાવીને અકીલ હુસૈનનો શિકાર બન્યો. ત્રીજા નંબર આવેલા સૂર્યકુમારે પહેલા ઝડપથી રન બનાવ્યા પરંતુ ઈશાન કિશન કંઈ ખાસ ન કરી શક્યો. તે 9 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમાર અને તિલકે ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાએ મેચમાં વાપસી કરી. જો કે સૂર્યા પણ 21 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. આગામી ઓવરમાં તિલક વર્મા પણ પેવેલિયન પરત ફર્યો, તિલકે 22 બોલમાં 39 રન બનાવ્યા.
કેપ્ટન હાર્દિકે સંજૂ સેમસનની સાથે મળીને ભારતીય ઈનિંગ સંભાળી અને લાગ્યું કે આ બંને ટીમ ઈન્ડિયાને જીતાડી દેશે. છેલ્લી પાંચ ઓવરમાં જીતવા માટે ભારતને માત્ર 37 રનની જરુર હતી અને 6 વિકેટ બાકી હતી. હોલ્ડરે ભારતીય ઈનિંગની 16મી ઓવર કરી અને પહેલા જ બોલે કેપ્ટન હાર્દિક પંડયાને ક્લીન બોલ્ડ કર્યો. હાર્દિકે 19 બોલમાં 19 રન કર્યા. આ ઓવરના ત્રીજા બોલે સંજૂ સેમસન પણ 12 બોલમાં 12 રન બનાવીને રનઆઉટ થયો. આગામી 3 બોલમાં કુલદીપ યાદવ કોઈ રન ન બનાવી શક્યો. હોલ્ડરની ઓવરમાં એક પણ રન ન થયો અને બે સેટ બેટ્સમેન આઉટ થઈ ગયો. અહીંથી જ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં આવી ગઈ.
ભારતને જીત અપાવવાની જવાબદારી અક્ષર પટેલ પર હતી. તેણે કુલદીપની સાથે મળીને આગામી બે ઓવરમાં 16 રન બનાવ્યા અને ભારતની આશા જીવંત રાખી. જો કે 19મી ઓવરના પહેલા જ બોલે મોટો શોટ રમવાના પ્રયાસમાં તે આઉટ થઈ ગયો અને ભારતની હાર લગભગ નક્કી થઈ ગઈ. અક્ષર 11 બોલમાં 13 રન કર્યા. ઓબેદ મેકોયે તેને આઉટ કર્યો. ભારતને જીતવા માટે છેલ્લા 11 બોલમાં 21 રનની જરૂર હતી. એવામાં અર્શદીપે મેકોયની ઓવરમાં બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા અને ભારતની વાપસી કરાવી. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 10 રનની જરુર હતી. શેફર્ડે પહેલા બોલે અર્શદીપને ક્લીન બોલ્ડ કર્યો. આગામી પાંચ બોલમાં અર્શદીપ, ચહલ અને મુકેશ પાંચ રન જ બનાવી શક્યા અને ટીમ ઈન્ડિયા ચાર રનથી મેચ હારી ગયું.
તિલક વર્મા અને મુકેશ કુમારનું T20 ડેબ્યૂ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી T20 મેચમાં તિલક વર્મા અને મુકેશ કુમારે ડેબ્યૂ કર્યું છે. ટોસ પહેલા બંને ખેલાડીઓને T20 ડેબ્યૂ કેપ આપવામાં આવી.
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન
કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, જોનસન ચાર્લ્સ (વિકેટકીપર), નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (કેપ્ટન), જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, ઓબેદ મેકોય.
ભારતની પ્લેઈંગ ઈલેવન
ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ , સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), સંજૂ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.
ભારતની 200મી T20 મેચ
ભારત માટે આ મેચ ઐતિહાસિક છે કેમકે આ તેમની 200મી T20 મેચ છે. હાર્દિક પંડયાની કેપ્ટનશિપમાં યંગ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેદાનમાં ઉતરી હતી. સૂર્યકુમાર યાદવને છોડીને ટીમમાં કોઈ પણ ખેલાડી 30 વર્ષથી વધુ ઉંમરનો નથી. હાર્દિક પંડયા પાંચમી T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. T20ની બે મેચ અમેરિકામાં પણ રમાશે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સીરીઝ 2-1થી જીતી છે. જ્યારે તે પહેલા રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણી પર પણ ભારતે 1-0થી કબજો કર્યો છે.
