India vs Pakistan Final: દુબઈમાં ભારતનું સપનું રોળાયું, 9મું ટાઈટલ જીતવાનું લક્ષ્યાંક અધૂરું; પાકિસ્તાન સામે 191 રનથી કારમી હાર

રવિવારની હાર છતાં, અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ તરીકેનું સ્થાન ધરાવે છે. વર્ષ 1989 થી શરૂ થયેલી ટીમ ઈન્ડિયાની આ સફર અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 22 Dec 2025 02:56 PM (IST)Updated: Mon, 22 Dec 2025 02:56 PM (IST)
ind-vs-pak-u19-asia-cup-final-indias-9th-title-dream-unfulfilled-36-years-of-golden-history

India vs Pakistan U19 Asia Cup Final: અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ચાહકોને નિરાશા સાંપડી છે. રવિવારે દુબઈ ખાતે રમાયેલા 'હાઈવોલ્ટેજ' મુકાબલામાં પાકિસ્તાને ભારતને 191 રનના મોટા અંતરથી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ હાર સાથે જ ભારતીય ટીમનું આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રેકોર્ડ 9મું ટાઈટલ જીતવાનું લક્ષ્યાંક અધૂરું રહી ગયું છે.

ભારતનો 36 વર્ષનો સુવર્ણ ઈતિહાસ

રવિવારની હાર છતાં, અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ તરીકેનું સ્થાન ધરાવે છે. છેલ્લા 36 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો, ભારતીય ટીમે અત્યાર સુધીમાં 7 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જ્યારે એક વખત પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા તરીકે ટ્રોફી શેર કરી છે. વર્ષ 1989 થી શરૂ થયેલી ટીમ ઈન્ડિયાની આ સફર અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી છે.

  • 1989 (પ્રથમ ઐતિહાસિક વિજય): ભારતીય ટીમે ફાઈનલ મેચમાં શ્રીલંકાને 79 રનથી હરાવીને સૌપ્રથમ વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.
  • 2003: 14 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ, ભારતે ફરી એકવાર ફાઈનલમાં શ્રીલંકાને 8 વિકેટથી માત આપીને ટ્રોફી કબજે કરી હતી.
  • 2012 (સંયુક્ત વિજેતા): મલેશિયામાં 5 વર્ષના વિરામ બાદ યોજાયેલી ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ટાઈ થતાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી.
  • 2013-14: ભારતે ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 40 રનથી હરાવીને શાનદાર એકતરફી જીત મેળવી હતી.
  • 2016: શ્રીલંકાને 34 રનથી પરાજય આપીને ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
  • 2018: વર્ષ 2017 માં ફાઈનલ સુધી ન પહોંચી શકનારી ભારતીય ટીમે 2018 માં જોરદાર વાપસી કરી હતી અને શ્રીલંકાને 144 રનથી હરાવીને વિશાળ વિજય નોંધાવ્યો હતો.
  • 2019: અત્યંત રસાકસીભરી ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને માત્ર 5 રનથી હરાવીને રોમાંચક જીત મેળવી હતી.
  • 2021: ભારતે DLS મેથડ હેઠળ શ્રીલંકા સામે 9 વિકેટથી આસાન વિજય મેળવીને ટાઈટલ જીત્યું હતું.