IND vs NZ, T20 World Cup 2026 Final: ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી કચડી નાખીને ત્રીજી વખત વિશ્વ વિજેતાનો તાજ પહેર્યો છે. આ જીત સાથે ભારત ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રણ વખત ટ્રોફી જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ ભવ્ય વિજય પાછળ આખી ટીમનું યોગદાન હતું, પરંતુ પાંચ એવા ખેલાડીઓ રહ્યા જેમણે ફાઈનલના મોટા મંચ પર ન્યુઝીલેન્ડના સપનાઓને ચકનાચૂર કરી દીધા.
ભારતની જીતના 5 અસલી હીરો
ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડક્યો અને બોલરોએ કિવી ટીમને 159 રનમાં ઓલઆઉટ કરી દીધી. આ સફરના મુખ્ય પાત્રો નીચે મુજબ છે:
1) સંજુ સેમસન: બેટિંગનો મુખ્ય આધાર
વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને ફાઈનલમાં પોતાની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેણે માત્ર 46 બોલમાં 89 રન ફટકારીને ન્યુઝીલેન્ડના બોલરોને લાચાર કરી દીધા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. સંજુની આ ઇનિંગને કારણે જ ભારત 255 રનનો વિશાળ સ્કોર બનાવી શક્યું હતું.
2) જસપ્રીત બુમરાહ: બોલિંગનો જાદુગર
જ્યારે પણ ટીમ ઇન્ડિયાને વિકેટની જરૂર હોય, ત્યારે જસપ્રીત બુમરાહ હંમેશા તૈયાર હોય છે. ફાઈનલમાં તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. તેની આર્થિક બોલિંગે કિવી બેટ્સમેનો પર દબાણ વધાર્યું હતું. તેના આ પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
3) અક્ષર પટેલ: ઓલરાઉન્ડ પ્રદર્શન
ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ફરી એકવાર સાબિત કર્યું કે તે મોટા મેચનો ખેલાડી છે. તેણે 3 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અક્ષરે ફિન એલન, ગ્લેન ફિલિપ્સ અને ડેરિલ મિશેલ જેવા ખતરનાક બેટ્સમેનોને આઉટ કરીને ન્યુઝીલેન્ડની મધ્યમ હરોળને તોડી નાખી હતી.
4) ઇશાન કિશન: મધ્યમ ક્રમનો આક્રમક મિજાજ
અભિષેક શર્મા આઉટ થયા પછી ઈશાન કિશને બાજી સંભાળી હતી. તેણે માત્ર 25 બોલમાં 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કિશનની આક્રમકતાને કારણે જ ભારત 15 ઓવરમાં 200 રનનો આંકડો પાર કરી શક્યું હતું, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
5) અભિષેક શર્મા: તોફાની શરૂઆત
સમગ્ર ટુર્નામેન્ટમાં ટીકાઓનો સામનો કરી રહેલા અભિષેક શર્માએ ફાઈનલમાં પોતાના બેટથી જવાબ આપ્યો હતો. તેણે માત્ર 18 બોલમાં અડધી સદી પૂરી કરીને વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીમાંથી એક નોંધાવી હતી. તેણે 21 બોલમાં 52 રન બનાવીને ભારતને એવી શરૂઆત આપી જેના પર સંજુ સેમસને મોટી ઇનિંગનું નિર્માણ કર્યું.
