IND vs NZ ODI: હાર્દિક પંડ્યાની વાપસીથી સુધરશે ટીમ ઈન્ડિયાનું કોમ્બિનેશન? કેપ્ટન ગિલે જણાવ્યો માસ્ટરપ્લાન

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બંને ટીમના કેપ્ટને ટીમ કોમ્બિનેશન અંગે વાત કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 11:54 PM (IST)Updated: Tue, 03 Nov 2026 11:54 PM (IST)
ind-vs-nz-odi-hardik-pandya-comeback-team-india-odi-combination-shubman-gill-plan

IND vs NZ ODI: ભારતીય ODI ટીમમાંથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા હોવાથી ટીમનું સંતુલન ખોરવાઈ ગયું હતું. કેપ્ટન ગિલે સ્પષ્ટ કર્યું કે, જો વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક વાપસી કરે છે તો નંબર 7 અને 8 સ્પોટ નક્કી થઈ જશે, જેનાથી બેટિંગ લાઈન-અપના દ્રષ્ટિકોણથી ભારતીય ટીમ વધુ સંતુલિત દેખાશે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચ પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન ગિલે હાર્દિકના વખાણ કરતા ઉમેર્યું કે, તે એક શાનદાર ખેલાડી છે અને તેમના જેવું કૌશલ્ય ખૂબ જ ઓછા ખેલાડીમાં જોવા મળે છે. મેચના દરેક તબક્કામાં બોલિંગ કરી શકતો અને બેટિંગમાં પણ ઉપયોગી યોગદાન આપી શકતો ઓલરાઉન્ડર ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.

કેપ્ટન ગિલે હાર્દિક પંડ્યા અંગે વધુ ઉમેરતા કહ્યું કે, તેમની વચ્ચે આ વિશે ઘણીવાર વાતચીત થઈ છે. હાર્દિક પંડ્યાએ ભારતની A ટીમ તરફથી કેટલીક મેચો રમવાની હતી, પરંતુ તેનાથી બરાબર પહેલા જ તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. આશા છે કે હાર્દિક ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે ફિટ થઈને ઘરેલુ ક્રિકેટમાં કેટલીક મેચો રમશે અને ત્યારબાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરશે.

બીજી તરફ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પણ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય દિગ્ગજો અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. સેન્ટનરે જણાવ્યું હતું કે તેમની ટીમે આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીથી ખાસ સતર્ક રહેવું પડશે અને ન્યૂઝીલેન્ડના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરવી પડશે.

કેપ્ટન મિચેલ સેન્ટનરે કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઉંમર વધી રહી છે, પરંતુ તેઓ આજે પણ ખૂબ સારું રમી રહ્યા છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં આ બંને દિગ્ગજોએ કેટલું શાનદાર પ્રદર્શન કર્યું હતું. લાંબા સમયથી બંનેનું ક્રિકેટ જોઈ રહ્યો છું અને IPL માં રોહિતને ખૂબ નજીકથી રમતા જોયા છે.