IND vs ENG Semi Final: T20 વર્લ્ડ કપ 2026 ની સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો વિજય થતા જ મેદાનની બહાર પણ શબ્દોના બાણ છૂટ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને આડે હાથ લેતા તેને સરેઆમ 'ઢોંગી બાબા' કહી દીધો છે. ભારતની જીત અને આમિરની ખોટી પડેલી ભવિષ્યવાણીઓને લઈને સિદ્ધુએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેની ભારે મજાક ઉડાવી છે.
આમિરની એક પછી એક ભવિષ્યવાણીઓ થઈ ખોટી
મોહમ્મદ આમિરે ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ દાવો કર્યો હતો કે ભારત સેમીફાઈનલ સુધી પણ પહોંચી શકશે નહીં. જ્યારે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું, ત્યારે આમિરે ફરી ભવિષ્યવાણી કરી હતી કે ઇંગ્લેન્ડની ટીમ ભારતને હરાવી દેશે. આટલું જ નહીં, તેણે અગાઉ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ ફાઈનલમાં પહોંચશે તેવી પણ વાતો કરી હતી, પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. ભારતની શાનદાર જીત બાદ સિદ્ધુએ આમિર પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક લોકોને જૂઠી ભવિષ્યવાણી કરવાની આદત હોય છે, જો અંદાજ સાચો પડી જાય તો તેઓ પોતાને મોટા જ્ઞાની માને છે અને જો ખોટો પડે તો તેને માત્ર અનુમાન કહીને ટાળી દે છે.
સિદ્ધુનો આક્રમક પ્રહાર: ‘થોથા ચના બાજે ઘના’
નવજોત સિંહ સિદ્ધુએ પોતાના વીડિયોમાં અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું કે મેચની કિસ્મત મેદાનમાં નક્કી થાય છે, ભવિષ્યવાણીઓથી નહીં. તેમણે આમિરને ટોણો મારતા કહ્યું કે આવા લોકો પોતાને બહુ મોટા બાબા સમજે છે, પણ હકીકતમાં તેઓ માત્ર ઢોંગી છે. સિદ્ધુએ અંતમાં ‘થોથા ચના બાજે ઘના’ (અર્થ: ઓછું જ્ઞાન ધરાવતો વ્યક્તિ દેખાડો કરે છે અને વધારે પડતું બોલે છે.) કહેવતનો ઉપયોગ કરીને આમિરની બોલતી બંધ કરી દીધી હતી. સિદ્ધુના મતે સંજુ સેમસનની તોફાની ઇનિંગે પાકિસ્તાની બોલરના તમામ દાવાઓની ધજ્જિયા ઉડાવી દીધી છે.
વાનખેડેમાં ભારતનો પહાડ જેવો સ્કોર અને સંજુનો જલવો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા, જે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં નોકઆઉટ મેચનો સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી સંજુ સેમસને માત્ર 42 બોલમાં 89 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, આ ઇનિંગ દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે 15 રનના અંગત સ્કોર પર સંજુનો અત્યંત સરળ કેચ છોડ્યો હતો, જે ઇંગ્લેન્ડને ઘણો મોંઘો પડ્યો.
આમિરે બચાવમાં આપ્યું કેચનું બહાનું
પોતાની ભવિષ્યવાણી ખોટી પડ્યા બાદ મોહમ્મદ આમિરે સફાઈ આપતા જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ મેચ જીતી શક્યું હોત જો હેરી બ્રૂકે સંજુ સેમસનનો કેચ પકડી લીધો હોત. તેણે હારનું ઠીકરું ઇંગ્લેન્ડના ખરાબ ફિલ્ડિંગ પર ફોડ્યું હતું. જોકે, તેણે એ વાત સ્વીકારી હતી કે ભારતે પૂરા ટૂર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમી છે. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે 48 બોલમાં 105 રન બનાવ્યા હોવા છતાં જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગ સામે ઇંગ્લેન્ડ 246/7 સુધી જ પહોંચી શક્યું હતું અને ભારત 7 રનથી વિજયી બન્યું હતું. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.
