Abhimanyu Easwaran, IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેમના ટેસ્ટ ડેબ્યૂની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ તેમને વારંવાર નિરાશા જ સાંપડે છે. આવું જ કંઈક અનુભવી અને સક્ષમ બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન (Abhimanyu Easwaran) સાથે થઈ રહ્યું છે. 2021-22 થી ભારતની ટેસ્ટ ટીમનો ભાગ હોવા છતાં, અભિમન્યુને હજુ સુધી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાનમાં ઉતરવાનો મોકો મળ્યો નથી, જ્યારે આ જ સમયગાળામાં 15 અન્ય ખેલાડીઓએ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે.
લાંબી રાહ અને અવગણના
અભિમન્યુ ઈશ્વરનને ઇંગ્લેન્ડ સામેની ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં વધુ એકવાર રાહ જોવી પડી છે. ટીમના મધ્યમ ક્રમના બેટ્સમેન કરુણ નાયરના સતત ફ્લોપ પ્રદર્શન બાદ તેને પ્લેઇંગ 11માંથી બહાર કરવામાં આવ્યો હતો. ઘણાને એવી આશા હતી કે, જો કરુણ બેન્ચ પર બેસે છે, તો અભિમન્યુ ઈશ્વરનની વર્ષોથી ચાલી આવતી ટેસ્ટ ડેબ્યૂની રાહનો અંત આવશે. જો કે, કેપ્ટન શુભમન ગિલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કંઈક બીજું જ નક્કી કર્યું હતું. સાઈ સુદર્શનને ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ફરીથી તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો, અને અભિમન્યુ ફરી એકવાર બેન્ચ પર જ બેઠો રહ્યો.
ઈશ્વરનનો પ્રભાવશાળી ઘરેલુ રેકોર્ડ
અભિમન્યુ છેલ્લા 4 વર્ષથી ટીમમાં આવી રહ્યો છે અને વારંવાર તેને બહાર બેસાડવામાં આવે છે. આ સમયગાળામાં, સૂર્યકુમાર, રજત પાટીદાર, ઈશાન કિશન જેવા યુવા બેટ્સમેન સહિત 15 ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. આટલી મોટી અવગણના છતાં, અભિમન્યુનો ઘરેલુ ક્રિકેટનો રેકોર્ડ પ્રશંસનીય છે. તેણે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં 103 મેચ રમી છે, જેમાં ૫૪ ની પ્રભાવશાળી સરેરાશથી 7841 રન બનાવ્યા છે. તેના નામે 27 સદી અને 31 અડધી સદી પણ નોંધાયેલી છે.
સાઈ સુદર્શનનો રેકોર્ડ
અભિમન્યુ ઈશ્વરન કરતા સાઈ સુદર્શનને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જોકે, સુદર્શનનો ઘરેલુ રેકોર્ડ અભિમન્યુની સરખામણીમાં ઘણો ઓછો છે. સુદર્શને અત્યાર સુધીમાં કુલ 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 36 ૩૬ ની સરેરાશથી 1987 રન બનાવ્યા છે. તેણે 51 ઇનિંગ્સમાં ફક્ત 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે.
