ઈન્દોર.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા T-20 બાદ હવે વન-જેમાં પણ નંબર વન બનવાની તૈયારીમાં છે. વન-ડે ઈન્ટરનેશનલમાં નંબર વનનું સ્થાન મેળવવાથી ટીમ ઈન્ડિયા માત્ર એક જ ડગલા દૂર છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ઈન્દોરમાં રમાવાની છે. આ મેચ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયા વનડે રેન્કિંગમાં ટોચ પર આવી જશે.
આ સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ભારતની આ જીતથી ઈંગ્લેન્ડને ફાયદો થયો અને હાલ ઈંગ્લેન્ડની ટીમ ICC રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવી ગઈ છે. જો કે ઈન્દોરમાં મેચમાં ભારત જીતી જશે, તો ઈંગ્લેન્ડને ફરીથી ટોચનું સ્થાન ગુમાવવું પડી શકે છે.

જણાવી દઈએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે સિરીઝની પ્રથમ મેચમાં શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ગિલના 208 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ 349 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. 350 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત નબળી રહી હતી. જો કે માઈકલ બ્રેસવેલની સદી અને સેન્ટનરની ઉપયોગી ઈનિંગ્સે મેચમાં આખરી ઓવર સુધી રોમાંચક બનાવી દીધી હતી. જો કે આખરી ઓવરમાં ભારત 12 રને જીતી ગયું હતુ.
હવે બીજી વનડેની વાત કરીએ તો, ભારતે પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. જે બાદ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ ભારતીય ઝડપી બૉલરો સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ માંડ 100 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. આ મેચમાં પણ ભારતે સરળતાથી જીત મેળવી હતી.