Virat Kohli ICC ODI Rankings: ICC દ્વારા બુધવાર, 10 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ વન-ડે (ODI) રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શનના જોરે રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે અને તે હવે બીજા ક્રમે પહોંચી ગયો છે. આ સાથે જ વન-ડે રેન્કિંગમાં ટોચના સ્થાન માટે ભારતીય ખેલાડીઓ વચ્ચે જ સ્પર્ધા જામી છે.
નંબર 1 ના તાજથી માત્ર 8 પોઈન્ટ દૂર
તાજેતરના અપડેટ બાદ, વિરાટ કોહલી હવે નંબર 1 સ્થાન પર રહેલા રોહિત શર્માની અત્યંત નજીક પહોંચી ગયો છે. બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે માત્ર 8 રેટિંગ પોઈન્ટનો તફાવત છે. કોહલીની મોટી છલાંગને કારણે ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ અને અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાનને નુકસાન થયું છે, જેઓ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને સરકી ગયા છે.
દક્ષિણ આફ્રિકા સામે 'વિરાટ' પ્રદર્શન
તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વન-ડે શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ આગ ઓકતું જોવા મળ્યું હતું. ભારતે આ શ્રેણી 2-1 થી જીતી હતી, જેમાં કોહલી 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યો હતો.
- કુલ રન: 302
- સરેરાશ: 151
- સ્ટ્રાઈક રેટ: 117.05
- વિશેષ: રાંચી અને રાયપુરમાં સતત બે સદી.
માર્ચ 2021 પછી ફરી ટોચ પર પહોંચવાની તક
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી છેલ્લે માર્ચ 2021 માં વન-ડે રેન્કિંગમાં નંબર 1 પર હતો, ત્યારબાદ પાકિસ્તાનના બાબર આઝમે તે સ્થાન મેળવ્યું હતું. હાલમાં રોહિત શર્મા 781 પોઈન્ટ સાથે ટોચ પર છે. રોહિતે પણ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં 146 રન બનાવીને પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે.
ICC ODI બેટ્સમેન રેન્કિંગ (Top 10):
- રોહિત શર્મા (ભારત) - 781
- વિરાટ કોહલી (ભારત) - 773
- ડેરિલ મિશેલ (ન્યુઝીલેન્ડ) - 766
- ઇબ્રાહિમ ઝદરાન (અફઘાનિસ્તાન) - 764
- શુભમન ગિલ (ભારત) - 723
- બાબર આઝમ (પાકિસ્તાન) - 722
- હેરી ટેક્ટર (આયર્લેન્ડ) - 708
- શાઈ હોપ (વેસ્ટ ઈન્ડિઝ) - 701
- ચારિથ અસલંકા (શ્રીલંકા) - 690
- શ્રેયસ ઐયર (ભારત) - 679
