IND vs NZ ODI 2026 Squad Updates: વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ માટે વ્યસ્ત રહેવાની છે. ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરી, 2026 થી ન્યુઝીલેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી સાથે નવા વર્ષના અભિયાનનો પ્રારંભ કરશે. જોકે, ટીમની જાહેરાત પહેલા જ ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, વિકેટકીપર ઋષભ પંત ઉપરાંત ટીમના બે મુખ્ય આધારસ્તંભ સમાન હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પણ આ શ્રેણી ગુમાવી શકે છે.
નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં 3 અથવા 4 જાન્યુઆરીએ પસંદગી સમિતિની બેઠક યોજાવાની છે, જેમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમ નક્કી કરવામાં આવશે.
બુમરાહ અને પંડ્યાને આરામ આપવાનું કારણ
ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન રમાનારી 3 મેચની વન-ડે શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવશે નહીં. આ બંને સ્ટાર ખેલાડીઓને શ્રેણીમાંથી 'આરામ' આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આગામી T20 વર્લ્ડ કપ 2026 છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા આ મેગા ઈવેન્ટ માટે બંને ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટ ટીમ મેનેજમેન્ટ માટે પ્રાથમિકતા છે. 2024 માં ભારતને T20 ચેમ્પિયન બનાવવામાં આ બંનેની ભૂમિકા મહત્વની હતી, તેથી બોર્ડ વર્લ્ડ કપ પહેલા કોઈ જોખમ લેવા માંગતું નથી. જોકે, ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ બંને ખેલાડીઓ 21 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી 5 મેચની T20 શ્રેણીમાં વાપસી કરશે, જે વર્લ્ડ કપ માટેની તૈયારીનો ભાગ હશે.
હાર્દિક પંડ્યા ઘરેલુ ક્રિકેટમાં જોવા મળશે
એક તરફ હાર્દિક પંડ્યા ઇન્ટરનેશનલ ODI શ્રેણી મિસ કરશે, તો બીજી તરફ તે ઘરેલુ મેદાન પર જોવા મળી શકે છે. BCCI ના નિયમો અનુસાર, સિનિયર ખેલાડીઓ માટે ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત હોવાથી, હાર્દિક વિજય હજારે ટ્રોફીમાં બરોડા તરફથી ઓછામાં ઓછી 2 મેચ રમે તેવી શક્યતા છે. જોકે, જસપ્રીત બુમરાહને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઋષભ પંતનું પત્તું કપાશે, ઈશાન કિશનની એન્ટ્રી?
બીજી તરફ, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, પંતને ખરાબ ફોર્મના કારણે ODI ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને યુવા વિકેટકીપર ઈશાન કિશનને તક મળવાની પ્રબળ શક્યતા છે. ઈશાન કિશને તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિજય હજારે ટ્રોફીમાં માત્ર 34 બોલમાં સદી ફટકારીને પોતાની દાવેદારી મજબૂત કરી છે.

