IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ત્રીજી વનડે મેચ ભારતના યુવા ફાસ્ટ બોલર ગુરનૂર બ્રાર માટે કોઈ ખરાબ સ્વપ્નથી કમ સાબિત થઈ નથી. આ મેચ દરમિયાન ગુરનૂર બ્રારના નામે વનડે ક્રિકેટનો એક અત્યંત શર્મનાક અને અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. લોર્ડ્સની ફ્લેટ પિચ પર ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય બોલિંગ લાઇનઅપની બરાબરની કસોટી કરી હતી, જેમાં ગુરનૂર બ્રાર સૌથી મોંઘો સાબિત થયો હતો અને તેણે પોતાના 10 ઓવરના ક્વોટામાં અધધધ 97 રન લૂંટાવી દીધા હતા.
ભારતના વનડે ઇતિહાસનો ત્રીજો સૌથી મોંઘો સ્પેલ
આ નબળા પ્રદર્શન સાથે ગુરનૂર બ્રાર ભારત તરફથી વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન આપનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મેચમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. ભારતના વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ ફેંકવાનો રેકોર્ડ દિગ્ગજ બોલર ભુવનેશ્વર કુમારના નામે છે, જેણે વર્ષ 2015માં વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે 10 ઓવરમાં 106 રન આપ્યા હતા.
ભારત માટે વનડેમાં સૌથી મોંઘા સ્પેલ (ઓવર)
- ભુવનેશ્વર કુમાર: 1/106 (10 ઓવર) વિ. દક્ષિણ આફ્રિકા, મુંબઈ, 2015
- વિનય કુમાર: 1/102 (9 ઓવર) વિ. ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ, 2013
- ગુરનૂર બ્રાર: ૦/97 (10 ઓવર) વિ. ઇંગ્લેન્ડ, લોર્ડ્સ, 2026
- ભુવનેશ્વર કુમાર: 1/92 (10 ઓવર) વિ. ન્યૂઝીલેન્ડ, કાનપુર, 2017
લોર્ડ્સમાં તૂટ્યો 51 વર્ષ જૂનો રેકોર્ડ
ઇંગ્લેન્ડની ધરતી પર કોઈ પણ ભારતીય બોલર દ્વારા ફેંકવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી ખરાબ અને મોંઘો સ્પેલ છે. આ પહેલાં ઇંગ્લેન્ડમાં કોઈ પણ ભારતીય બોલરે વનડેમાં 97 રન આપ્યા નહોતા.
આ સાથે જ ગુરનૂર બ્રારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર પણ એક 51 વર્ષ જૂનો અનચાહો રેકોર્ડ તોડી નાખ્યો છે. લોર્ડ્સમાં આ પહેલાં સૌથી મોંઘો સ્પેલ નાખવાનો ભારતીય રેકોર્ડ પૂર્વ ફાસ્ટ બોલર કરશન ઘાવરીના નામે હતો. ઘાવરીએ વર્ષ 1975ના વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર 11 ઓવરમાં 81 રન આપ્યા હતા, જેને હવે ગુરનૂર બ્રારે પાછળ છોડી દીધો છે.
