Monty Panesar On Gautam Gambhir: ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પનેસરે તાજેતરમાં એક નિવેદન આપ્યું છે કે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને રણજી ટ્રોફીમાં કોચિંગ આપવું જોઈએ. પનેસરના મતે ગંભીર રણજી ટ્રોફીમાં કોચિંગ આપે તો તેઓ રેડ-બોલ (ટેસ્ટ) ટીમને યોગ્ય રીતે મેનેજ કરવાની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકે. જોકે પનેસરનું આ સૂચન ગંભીર માટે એક સલાહ છે કે પછી કટાક્ષ, તે સમજવું મુશ્કેલ છે.
ગંભીર મજબૂત વ્હાઇટ-બોલ કોચ, પરંતુ…
એએનઆઈ (ANI) સાથેની વાતચીતમાં પનેસરે સ્વીકાર્યું હતું કે ગંભીર પોતાને એક મજબૂત વ્હાઇટ-બોલ કોચ તરીકે સાબિત કરી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને સપ્ટેમ્બરમાં ટી20 એશિયા કપ જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં પનેસરે ટેસ્ટ ક્રિકેટમાં કોચ તરીકે ગંભીરની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે તેમણે ડોમેસ્ટિક કોચ સાથે વાતચીત કરીને સફળ રેડ-બોલ ટીમ કેવી રીતે તૈયાર થાય છે અને મેનેજ થાય છે તે શીખવું જોઈએ.
ભારતીય ટેસ્ટ ટીમની નબળાઈ
પનેસરના જણાવ્યા અનુસાર હાલમાં ભારતીય ટેસ્ટ ટીમ નબળી છે અને આ એક વાસ્તવિકતા છે. તેમણે ઉમેર્યું કે જ્યારે તમે ત્રણ મોટા ખેલાડીઓને નિવૃત્ત કરો છો, ત્યારે બાકીના ખેલાડીઓને તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે અને તેમાં સમય લાગે છે. તેમના મતે ગંભીર રણજી ટ્રોફી કોચ બની શકે છે. ગંભીરે રણજી ટ્રોફીના કોચો પાસેથી સમજવું જોઈએ કે રેડ-બોલ ક્રિકેટમાં ટીમનું નિર્માણ કેવી રીતે કરવામાં આવે છે.
BCCIનો ખુલાસો
ગૌતમ ગંભીર ટેસ્ટ કોચ તરીકે રહેશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા અને રિપોર્ટ્સમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એવા પણ દાવા કરવામાં આવ્યા હતા કે BCCI એ ટેસ્ટ ટીમની કોચિંગ માટે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો. પરંતુ લક્ષ્મણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. જો કે BCCIએ ટેસ્ટ ક્રિકેટ માટે અલગ કોચ રાખવાની તમામ અટકળોને અફવા ગણાવીને ફગાવી દીધી છે.

